52.2 - પગલાં તળાવમાં : મજબૂત કૂંપળની મથામણ / ડૉ. રાજેશ વ્યાસ 'મિસ્કીન'


    કવિ અશોક ચાવડા 'બેદિલ'નો પ્રથમ ગઝલસંગ્રહ 'પગલાં તળાવમાં' વાંચતા ગઝલના ચાહકોને એક નવી સશક્ત કલમનો પરિચય થાય છે. ૧૯૯૭થી ૨૦૦૨ સુધી ૬ વર્ષમાં લખાયેલી ગઝલોના આ સંગ્રહમાં કુલ ૫૧ ગઝલો છે. ૬ વર્ષની ગઝલયાત્રા તેમના જ શબ્દોમાં કહીએ તો પા... પા... પગલી... ભરતાં ભરતાં પગલાં સુધી વિસ્તરવાની મથામણ કરતી દેખાય છે. 'મારી અંદર રહેલી એકલતાએ મને કોર્યો છે અને પરિણામ સ્વરૂપ જડી છે કવિતા' - આમ તેઓ સંગ્રહના પ્રારંભમાં 'મારીવાત'માં જણાવે છે. ખરેખર અંદરની એકલતા કોરે અનેકવિતા તરફ પ્રવાસ શરૂ થાય એ શુભ શુકન છે.

    'મારી વાત'માં કવિ અશોક ચાવડા જણાવે છે તેમ 'વર્તમાન ગઝલની પાટી એ હદે ભરાયેલી છે કે નવા ગઝલકારે નવો એકડો ઘૂંટવા મથામણ કરવી જ પડે.' સંગ્રહની ગઝલો જોતાં તેમની મથામણ સ્પષ્ટ જણાય છે કે આ કૂંપળ મજબૂત છે, એ ગમે તેવા ટાઢ, તડકા અને વાવાઝોડાને ખમી ખાય તેવી છે.

    છેલ્લાં છ-સાત વર્ષથી ગુજરાતી ગઝલ ક્ષેત્રે જે થોડીક કલમો કાર્યરત છે તેમાં અશોક ચાવડા નામ અવશ્ય મૂકી શકાય. ગઝલસંગ્રહમાં ગ્રંથસ્થ થયેલી ગઝલોમાંથી ગમતા શે'ર પાસે અટકવાનું મન થાય છે :
કૂંપળ બનીને યાદ કોઈની ફૂટી હશે;
દીવાલ મારા ઘરની ક્યાં એમ જ તૂટી હશે.
*
સાવ ખંડેર સમ બધું લાગ્યું,
મેં કરી જ્યાં તપાસ મારામાં.
આ અરીસોય રોજ પૂછે છે,
કોણ બેઠું ઉદાસ મારામાં?
*
મારા ઘરનાં શુભ ચોઘડિયાં લઈને ચાલ્યાં;
એ ચાલ્યાં તો સાથે ફળિયાં લઈને ચાલ્યાં.
*
જનારા એ રીતે ચાલ્યાં ગયાં છે સૂની મેલીને;
હજારો કોશિશોથી ના સજાવાઈ હવેલીને.
*
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં.
*
મારી કનેય આપવા જેવું કશું ન'તું,
મેં રામનામ દઈ દીધું પાછું ફકીરને.
*
કારણ વગર કાળાશ કૈં એને નથી મળી,
તણખા સુધી પહોંચી જતાં થોડી બળી હવા.

    બારાખડીનો એક અક્ષર એવો છે જેનાથી કોઈ શબ્દ શરૂ થતો નથી. કોઈ નામનો એ પ્રથમ અક્ષર બની શકતો નથી. કવિ જ્યારે પોતાને બારાખડીના એ 'ણ' અક્ષર સાથે સરખાવે છે ત્યારે શે'ર બધી રીતે વાંચવો અને માણવો ગમે છે :
ક્યારેય ના બન્યો પ્રથમ અક્ષર હું નામનો,
બારાખડીમાં હોઉં છું 'બેદિલ' બની 'ણ' હું.

    સંગ્રહના મક્તાના શેર મોટા ભાગે મૃત્યુ કે એવાજ ભાવની આસપાસ રચાયેલા જોવા મળે છે. ત્યારે ઉપરનો શે'ર અને બીજા આવા બે-ત્રણ શે'ર અપવાદરૂપ સુંદર બન્યા છે.

    મક્તાના શે'રમાં મૃત્યુની વાત આવે અને તરત બરકત વિરાણી 'બેફામ' યાદ આવે. આમ જોવા જઈએ તો 'બેદિલે' ઘણી અસરોમાંથી બેદિલીપૂર્વક મુક્ત થવું પડશે, જેથી એમને એમનો ગઝલમાર્ગ મળે. આમ છતાં આ જ ભાવને ઘૂંટતો એક મક્તા માણવા જેવો છે :
એણે હાથેથી ગંગાજળ મોંમાં મૂક્યું,
'બેદિલ' આંખોમાંઝળઝળિયાં લઈને ચાલ્યા.
   
    ગઝલસંગ્રહમાં 'ફક્ત પથ્થર હોય છે', 'મા' અને 'પ્રિયે' – આ ત્રણ ગઝલો વાંચતા તેમનામાં રહેલા ગઝલકારના અસલી મિજાજનો પરિચય થાય છે.
હા, કમાણી ઉમ્રભરની ફક્ત પથ્થર હોય છે;
બાંધણી સૌની કબરની ફક્ત પથ્થર હોય છે.
*
થૈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા;
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.
*
હૂંફ તારી યાદની થોડીક જો મળશે પ્રિયે;
આંખમાં થીજી ગયેલો બર્ફ ઓગળશે પ્રિયે.

    કવિને ૨૦૦૦ અને ૨૦૦૧ની સાલ જાણે ફળેલી છે.સંખ્યા અને સત્ત્વ બંનેની દૃષ્ટિએ આ બંને સાલમાં તેમણે વધારે ગઝલ રચેલી જોવા મળેછે.

   ગુજરાતી ગઝલ આજે એટલા બધા હાથે અને એટલી બધીરીતે ખેડાઈ રહી છે કે કશી જ નવીનતા વગરની આદતવશ નીપજી આવેલી ગઝલો વધુ સંખ્યામાંજોવા મળે છે અને ત્યારે 'પગલાં તળાવમાં' એ ગઝલસંગ્રહની તાજગીભરી મથામણને ઉમળકાથી આવકારવાનું મન થઈ આવે છે. ગઝલચાહકોએ આસંગ્રહ એક વાર વાંચવા જેવો છે. કવિનાં પગલાં વિસ્તરીને એમનો રાજમાર્ગ કંડારી લે તેવીશુભેચ્છાઓ.
('કુમાર' :જૂન ૨૦૦૪)
* * *


0 comments


Leave comment