2 - લઈને ચાલ્યા / અશોક ચાવડા 'બેદિલ'
મારા ઘરનાં શુભ ચોઘડિયાં લઈને ચાલ્યાં;
એ ચાલ્યાં તો સાથે ફળિયાં લઈને ચાલ્યાં.
રોકાયાં'તાં વાદળ ખાલી બે પળ માટે,
આ વખતે પણ છતનાં નળિયાં લઈને ચાલ્યાં.
ક્યાં રોકાશું? રસ્તો ક્યાંનો? કંઈ ખબર ના,
ક્યાંક કલમ, કાગળ ને ખડિયા લઈને ચાલ્યાં.
આજ નહીં તો કાલે સૌ જખ્મો રુઝાશે,
તારાં સ્મરણોનાં ઓસડિયાં લઈને ચાલ્યા.
એણે હાથેથી ગંગાજળ મોંમાં મૂક્યું,
'બેદિલ' આંખોમાં ઝળઝળિયાં લઈને ચાલ્યા.
0 comments
Leave comment