4 - હવેલીને / અશોક ચાવડા 'બેદિલ'


જનારાં એ રીતે ચાલ્યાં ગયાં છે સૂની મેલીને;
હજારો કોશિશોથી ના સજાવાઈ હવેલીને.

હવે આથી વધારે ભાગ્યનું શું હોય પલટાવું?
નજૂમીઓ જુએ છે એકબીજાની હથેલીને.

ફરીથી પાંગર્યું છે ફૂલીફાલીને ખખડધજ વૃક્ષ,
તમે બેઠાં હતાં બસ જ્યારથી એને અઢેલીને.

નથી હારી શકાતું કે નથી જીતી શકાતું પણ,
સમય ચાલ્યો ગયો મારો અધૂરો ખેલ ખેલીને.

ફકત એ કારણે હું આંસુઓ સારું નહીં 'બેદિલ',
ઝરણ આગળ જતાં થૈ જાય છે દરિયોય રેલીને.


0 comments


Leave comment