8 - પડઘા / અશોક ચાવડા 'બેદિલ'


ચાર પાંચ ગોરંભાયેલી પળના પડઘા;
આંખોમાં સચવાઈ રહ્યા છે જળના પડઘા.

વૃક્ષ સુધી ક્યાં પ્હોંચે છે કાગળના પડઘા?
કોણ અહીં ભઈ યાદ કરે પાછળના પડઘા!

આજ ફરી માટીની ભીંતો ગોઠવવી છે,
આજ ફરી પડઘાયા છે વાદળના પડઘા.

એક દિવસ દરવાજો તોડીને નીકળશે,
અંદરથી અથડાતી આ સાંકળના પડઘા.

મૂંઝારાને ડામચિયે શું મૂકે 'બેદિલ'?
રોજ કરે છે પીછો જૂના સ્થળના પડઘા.


0 comments


Leave comment