10 - આઇકાર્ડમાં / અશોક ચાવડા 'બેદિલ'
જે એકલો ઝૂર્યા કરે છે આઇકાર્ડમાં;
મળવા જઉં તો એ મળે છે ભીડભાડમાં.
એકેક દીવાલો ખરે છે રેતરેત થઈ,
તૂટ્યા પ્રથમ તો કંકુના થાપા કમાડમાં.
કરવા નિવારણ જાઉં તો બમણું થઈ જતું,
તું દર્દ એવું દઈ ગઈ છે લાડલાડમાં.
બે હાથની ડાળી ઉપર છે પર્ણ આંગળી,
હોવાપણું મારું અગર બદલાય ઝાડમાં.
દફનાવવાની ના ઉતાવળ ડાઘુઓ કરો,
'બેદિલ' હવે જીવી રહ્યો મરવાની આડમાં.
0 comments
Leave comment