9.5 - પત્રો અને પત્રો અને પત્રોની આ નૌકા / જ્વલંત છાયા


    ભાષાની શોધ થઈ તે પછી પ્રત્યાયન, કૉમ્યુનિકેશન ક્ષેત્રે જે સંશોધન થયાં તેટલાં પ્રગતિશીલ સંશોધનો બીજા ક્ષેત્રે કદાચ ઓછાં થયાં હશે અને આ નવી શોધોએ વ્યવહારને તદ્દન સરળ, ટૂંકો અને ઓછી અવધિનો બનાવી દીધો. પહેલાં લાંબા પત્રો લખતા હવે એસ.એમ.એસ, વોટ્સએપથી કામ ચાલી જાય છે અને સતત પરિવર્તન પામતા વિશ્વમાં પરંપરાઓ જાળવવી ફરજિયાત પણ નથી લે કોઈ એમ કહે કે હવે પત્રો જેવી મજા નથી, ઉમળકો નથી તો તે વાતનો અર્થ નથી. માધ્યમ તો ગમે તે હોઈ શકે ઉમળકો અલગ બાબત છે પણ એક વાત પત્રો લખતા ત્યારે ચોક્કસ છે કે જયારે એનું અલાયદું મહત્વ રહેતું. જુદા જુદા ક્ષેત્રના દિગ્ગજોની લાગણીઓ, ઉર્મીઓ, વેદનાઓ-વ્યથાઓની આપ-લે અનેક પત્રોમાં ઠલવાયાં છે. અનેક પત્રો એવા છે જે સમય જતાં ઇતિહાસનાં નાનાં-નાનાં પૃષ્ઠો બની રહ્યાં છે. આજે ભલે પત્રો ઓછાં લખાતા પણ જયારે પત્ર એક માત્ર માધ્યમ હતા ત્યારે થયેલા પત્રવ્યવહારોનું એક અલગ સ્થાન છે.

    જયારે ટેકનિકો નહોતી ત્યારે પણ લાગણીની અભિવ્યક્તિ થતી. પત્રો લખાતા, ટેલિફોન, ફેક્સ, ઇમેલ કે એસએમએસ કરનારા લાગણી વિહીન છે અને પત્રો જ સાચું માધ્યમ છે એ વાતમાં લગીરે દમ નથી, પરંતુ જયારે આ પત્રો લખાયા-વંચાયા ત્યારે તેનું મૂલ્ય હતું તેના કરતાં અનેક ગણું આજે વધારે છે.

    બે વ્યક્તિઓ વચ્ચેની લાગણીઓનો સેતુ બનેલા પત્રો પછી તો રમ્ય સાહિત્યકૃતિઓનું સ્થાન પામ્યા હા, એય હકીકત છે કે આવા સમૃદ્ધ પત્રોનો વ્યવહાર ચાલતો ત્યારે ઇન્ટરનેટ હોત તો ગાલિબ કે કલાપીએ પણ ઈ-મેલ આઈડી રાખ્યા હોત અને ગાંધીજીએ તો દરરોજ હરિજન ફંડ અને ખાદી માટે અઢળક એસએમએસ ફર્યા હોત... સાહિત્યકારોમાં સૌથી વધારે કોઈના પત્રોનો ઉલ્લેખ કરવાનું મન થાય તો તે કલાપીના પત્રો છે. એ લખે છે ‘હું રાજ ખટપટનો કીડો છું પણ સ્નેહીઓનો દાસ છું. જે હું વિચારની સૃષ્ટિમાં કરી શકીશ એ દુનિયાદારીમાં કદી જ કરી શકીશ નહીં, માણસ અને ઝાડમાં બહુ તફાવત લાગતો નથી બિચારું જોઈ સ્થિતિ છોડી શકતું નથી...’

    ઘણીવાર તો એવું લાગ્યું કે પોતાની ગઝલ કરતાં કલાપી પત્રોમાં વધારે ખીલ્યા હોય.

    ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ વાર્તા લોહીની સગાઇ વાંચ્યા પછી સ્વામી આનંદે પેટલીકરને લખેલા પત્રમાં લખ્યું હતું. દુખ એસિડની જેમ જિંદગી બારી-બારણાંના ખૂણાખાંચરાને સાફ કરે છે...’ ઝવેરચંદ મેઘાણીએ જે પત્રો તેમના કાર્યકાળ દરમિયાન લખ્યા તેના સંગ્રહનું તો નામ જ કેવું સરસ છે, ‘લિખિતંગ હું આવું છું’ ૧૮મી સપ્ટેમ્બર ૧૯૨૧ના રોજ કલકત્તાથી તેમણે લખ્યું, ‘અંધારું થતું જાય છે, ગોધૂલિકનો સમય થઈ રહ્યો છે, જીવનનો અતિ ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. દ્રશ્ય હાથની ઇશારત હું મારી સામે જોઈ રહ્યો છું... લિખિતંગ હું આવું છું’ હા ગુજરાતના આ મહાન સર્જક એક પિતા, મિત્ર, પતિ તરીકે કેવા હતા તેની ઝલક તેઓના પત્રોમાંથી મળી છે.

    ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક શ્રેણીમાં ગાંધીજીના પત્રો સમાવાયા છે. આશ્રમમાંથી કે જેલવાસ દરમિયાન પત્રોમાં બાપુ અક્ષરો થકી ઉજાગર થયા છે. અંતેવાસીને લખેલા પત્ર હોય કે સહકર્મી નેતાને કે કસ્તૂરબાના સ્વાસ્થ્યના ખબર પુછાવતો પત્ર હોય, ગાંધીજીના પત્રો નહીં ઔપચારિકતાથી ઘણું વિશેષ હતા. ૭ ફેબ્રુઆરી ૧૯૪૫ના એક પત્રમાં સેવાગ્રામથી અમૃત કૌરને બાપુ લખે છે ‘આંતરધર્મીય લગ્નનાં બાળકોને પિતાના ધર્મનું શિક્ષણ આપવું જોઈએ. એ શિક્ષણ ઉદાર દ્રષ્ટિવાળું હોવું જોઈએ એ કહેવાની જરૂર ન હોય. બાળકો બે-બે ધર્મ પસંદ કરી શકે’ જેના શબ્દો સરળ છતાં....ડા હોય તેવા કેટલાય ‘પેરેગ્રાફ’ બાપુના પત્રોમાંથી નીકળી શકે. અને એક પત્ર કસ્તૂરબાનો.. પુત્ર હરિદાસને અત્યંત ભારે હૈયે તેમણે લખ્યું... ‘તારા બાપુને દરરોજ અનેક લોકો તરફથી તારા વર્તન વિશે ફરિયાદ કરતા પત્રો મળે છે. બદનામીના આ કડવા ઘૂંટડા તેમણે પી જવા પડે છે પરંતુ મારા તો તેં એકે સ્થાન જવા જેવું યોગ્ય રાખ્યું નથી શરમથી હું મિત્રો કે અજાણ્યાઓની વચ્ચે હરીફરી શક્તિ નથી...’

    રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય સંપૂટમાં તેમના પત્રો પણ ચળકતું રત્ન જ છે. પુત્રી મીરાદેવીને ૧૯૩૨ની ૨૮મી ઓગસ્ટે બાબાએ લખ્યું છે ‘આપણે અંધારામાં ફંફોસીએ છીએ, જેમના ઉપર પ્રેમ રાખીએ છીએ તેમણે અજાણતાં જ નુકસાન કરી બેસીએ છીએ, સમજ્યા વગર દુખ પામીએ છીએ પણ એ જ કંઈ છેવટની વાત નથી. એ બધી ભૂલચૂક અને કષ્ટોની વચ્ચે મોટી વાત એ છે કે આપણે પ્રેમ કરીએ છીએ.. એવી જ રીતે ગાલિબની ગઝલોની મજા તેમના પત્રો પણ ઉર્દૂ સાહિત્યની ધરોહર છે. હુસૈન મિર્ઝા નામના એક દોસ્તને તેઓ લખે છે, ‘મીર મુનશી સે મિલા, સાહિબ સકરતર બહાદુર કો ઈતલા કારવાઈ, જવાબ આયા, હમારા સલામ દો ઓર કહો ફુરસદ નહીં...’પેન્શન મંજૂર ન થતું હોવાનો વસવસો અનેક પત્રોમાં તેમણે ઠાલવ્યો હતો.

    રોમાંચ માત્ર સાહિત્યકારોના પત્રમાં જ હોય એવું નથી. એ સમયનું તો રાજકારણ પણ એવું હતું કે તેમાં થતા પત્રવ્યવહારનું એ અનોખું મૂક્ય હતું. ૨૪ ડિસેમ્બર ૧૯૪૭ના દિવસે લખેલા એક લાંબા પત્રના અંતે સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુને લખે છે, ‘જે મર્યાદાઓમાં તમારી સૂચનાથી બીજો કોઈ પ્રધાન પણ એ જવાબદારી પર તરાપ મારી શકે એ સ્થિતિનો સમાવેશ થાય એ મર્યાદાઓ નીચે કામ કરવું મારે માટે અશક્ય બની જશે’ ભારતના ઇતિહાસમાં જે દસ્તાવેજો મહત્વના છે તેમાં સમાવેશ થઈ શકે તેવા આ પત્રો હતા. સરદાર અને પંડિતજી વચ્ચેના આઝાદી પછીના મતભેદો આ પત્રોમાં સ્પષ્ટ-નરી આંખે જોઈ શકાય છે.

    આમ તો આવા પત્રોની આપણે ત્યાં એક ખાણ છે જાણે... સાહિત્યકારે રાજકારણીઓ, ફિલ્મી હસ્તીઓના પત્રો ‘મ્યુઝિયમ’ની વસ્તુઓ દરરજો પામ્યા છે. વિખ્યાત કવિ બોટાદકરે ‘જનની જોડ સખી...’ જેવું સરસ કાવ્ય લખ્યું. તેઓ વ્યાજે પૈસા ધીરતા દેવાદારોને તેમણે ઉઘરાણી માટે પત્રો લખ્યા હતા. નવગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને તેમનાં પત્નીએ લખેલો પત્ર જાણીતો છે, જેમાં ઇન્દુચાચા વિશેની ફરિયાદો તેમણે કરી હતી. ગુજરાતી કાવ્ય સંગીતના નીવડેલા સ્વરકાર અજિત મર્ચન્ટે ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાને લખેલા પત્રમાં દીવાદાંડી ફિલ્મની રેકોર્ડ રિલીઝ થવાના સમાચાર આપ્યા હતા અને છેલ્લે લખ્યું હતું, ‘આજે હું ધનવાન હોત તો થિયેટરમાં શાનદાર ઉજવણી કરી કોકટેલ પાર્ટી કરી તારું સન્માન કરત...’

    રાજેન્દ્ર શુક્લ અને ભગવતીકુમાર શર્મા તો પત્ર ગઝલો પણ લખી છે. ભગવતીભાઈ લખે છે ‘પત્રો અને પત્રો પત્રોની આ નૌકા ફૂલો લઈને નીકળ્યો છું સંભળાય છે ટહુકા’

    ચંદ્રકાન્ત બક્ષી અને વાર્તાકાર ડૉ.જયંત ખત્રી એકબીજા પર અંગ્રેજીમાં પત્ર લખતા. ચંદ્રકાંતભાઈને ત્યાં સંતાન આવ્યું ત્યારે ડૉ. ખત્રીએ લખ્યું હતું ‘પ્રથમ સંતાનની જન્મની સાથે જ એક પિતાનો જન્મ થઈ જતો હોય છે...’ આવા સંખ્યાબંધ પંચ આપણને આ પત્ર વૈભવમાંથી મળ્યા છે અનંત છે. લાગણીઓની જેમ જ માત્ર હવે સ્વરૂપ બદલાય છે. અષાઢ માસ શરૂ થઈ ગયો છે, યક્ષ કેમ યાદ ન આવે ? રામગીરી પર્વત પર ઉભા રહીને એ યક્ષે વાદળોને અષાઢના પ્રથમ દિવસે કહ્યું હતું... ‘મારી પ્રિયતમાને કહેજો કે...’ યક્ષ પાસે સંદેશો હતો માધ્યમ માત્ર વાદળાં હતા. આપણી પાસે પણ સંદેશા છે અને કેટલાં બધાં માધ્યમો છે... આ બે કાળખંડની વચ્ચે છે અઢળક પત્રો...


0 comments


Leave comment