9.6 - કથા : મહાન આત્મકથાઓની / સંવાદ / જ્વલંત છાયા


   “મારે આત્મકથા ક્યાં લખવી છે ? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન વૃતાંત ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃતાંત જેવી થઈ જશે તે ખરું છે પણ જો તેમાંથી પાને પાને મારા પ્રોયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું.” – ગાંધીજી

   “મારા સરખાને પોતાની હકીકત પોતે જ લખવી ને તે વળી પોતાની હયાતીમાં પોતે જ છાપી પ્રગટ કરવી એ લોકોમાં અવિવેક જેવું લાગે ખરું. નથી હું પંડિત, નથી હું યુધ્ધા, નથી હું ધર્મ ગુરુ નથી. હું શ્રીમંત ધીમંત ઇત્યાદિ, મારા લખાણથી ઘણા લોકોને એમ લાગે છે કે હું મારી પોતાના વિશે બહુ બોલું છું. ને એમ લાગે તેવું જ છે, કારણકે જયારે તેઓ મારા લખવાનો યથાર્થ મેં ન સમજતા અને રાત દહાડાનો મારો શ્રમ પોતાના ખ્યાલમાં ન લેતાં ઊલટા મારી મજાક નિંદા કરે છે ત્યારે તેથી હું ઘણો ખિન્ન થાઉં છું,,,’ – નર્મદ

   ઉપર શરૂઆતમાં મૂકેલા બે ફકરા ગુજરાતી સાહિત્ય કે ગુજરાતી ભાષામાં લખાયેલી આત્મકથાઓમાં સીમાચિન્હ અને આદ્ય ગણાતી આત્મકથાઓમાંથી લેવાયા છે. પ્રથમ છે તે મહાત્મા ગાંધીની આત્મકથા. સત્યના પ્રયોગોમાંથી લેવાયેલું લખાણ છે જયારે બીજો પેરેગ્રાફ વીર કવિ નર્મદની આત્મકથા મારી હકીકતમાંથી લીધો છે. આ આત્મકથાઓ પછી ગુજરાતીમાં તેમજ અન્ય ભાષાઓમાં, અન્ય દેશનાં સાહિત્યમાં અનેક આત્મકથાઓ લખાઈ છે. વંચાઈ છે અને વખણાઈ છે. આમ જોઈએ તો સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ નવલકથા, નાટક કે કવિતામાં સર્જક પોતે અભિવ્યક્ત ન થતો હોય તેવું જવલ્લે જ બને પરંતુ અન્ય સ્વરૂપોમાં આસપાસ અનેક બાબતો તો હોય જયારે આત્મકથાઓનો પાયો કે તેનું કેન્દ્ર તો જે તે વ્યક્તિ જ હોય અને તેથી તે વ્યક્તિ મોટેભાગે આત્મકથામાં ખૂલતી હોય છે.

  સાહિત્ય ભણતા વિદ્યાર્થીઓને એવું શીખવવામાં આવે છે કે આત્મકથા જીવન ચરિત્રનો જ એક પ્રકાર છે. જીવન ચરિત્ર અને આત્મકથામાં મૂળભૂત તફાવત એ છે કે, આત્મકથામાં ચરિત્ર નાયક પોતે જ લેખક હોય છે. આથી જન્મથી આત્મવૃતાંત શરૂ ન કરી શકે પોતાના મૃત્યુ સુધીની વાત પણ કરી ન શકે. આત્મકથાની સાહિત્યિક દ્રષ્ટિકોણની વ્યાખ્યા મુજબ તેમાં લેખકે તટસ્થતા પ્રમાણિકતા અને કડક સત્ય નિષ્ઠા જાળવવાની હોય છે, અહમનો ત્યાગ કરી લેખકે ખોટી મહત્તાના નિરૂપણથી બચવું પડે...

   મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો જો વાંચી હોય તો આત્મકથાની આ વ્યાખ્યા લગભગ તેમાં સિદ્ધ થતી હોવાનું કહી શકાય. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સાંજ પછી પણ મહાત્મા ગાંધી તેમના વિચારો અને સંદેશમાં જીવે છે તેનું મોટું માધ્યમ આ આત્મકથા છે. ‘સત્યના પ્રયોગો’ એ ગાંધીજીએ પોતાના જીવનનો ઓટોગ્રાફ નહીં પરંતુ સ્કેનિંગ રીપોર્ટ આપ્યો છે જાણે ! આત્મકથા ગાંધી જીવનનું કેલિડોસ્કોપ છે!

   ૧૯૨૭માં ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રથમ વખત પ્રકાશિત થયેલી ગાંધીજીની આત્મકથાનો દેશવિદેશની ૪૦ ભાષાઓમાં અનુવાદ થયો છે. દેશમાં અંગેજી, હિન્દી અને ગુજરાતી તથા અન્ય ભાષામાં થયેલા અનુવાદની ૧૮ લાખ નકલો અત્યાર સુધીમાં વેંચાઈ ગઈ છે.

   ‘નવજીવન’ સામયિક માટે ગાંધીજીએ હપ્તાવાર આત્મકથા પ્રગટ કરી અને ૧૯૨૭માં પુસ્તક રૂપે તે બહાર પડી. ૧૯૩૮માં રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી. ત્યારબાદ તેનો ઉપાડ બાંધ્યો હતો. મૂળ ગુજરાતીમાં લખાયેલી આ આત્મકથા ભારતની ૨૦ ભાષામાં અનુવાદિત થઈ છે. ગાંધીજીની આત્મકથા અન્ય ભાષાઓમાં કેટલી વેંચાઈ તેના આંકડા પણ ઘણા રસપ્રદ છે પરંતુ જે ભાષામાં તે મૂળત: લખાઈ છે તે ગુજરાતીમાં તેની ત્રણ લાખ નકલો જ વેંચાઈ છે. ગાંધીજીની કૃતિને આત્મકથાઓમાં આદર્શ ગણવામાં આવે છે. સત્ય કથન અને મિતભાષિતા તેના મુખ્ય ગુણો છે. આમ તો સત્યના પ્રયોગોના શબ્દે શબ્દમાંથી સત્ય ટપકે છે. એક ઝલક લગ્ન વિશે ગાંધીજી લખે છે એ વેળાએ મને તો સારાં કપડાં પહેરશું, વાજા વાગશે, સારા ભોજન મળશે એક નવી બાળ સાથે વિનોદ કરશું. વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય તેવું સ્મરણ નથી.’

   ‘બીજાને નામોશ કરી મનુષ્યો પોતે કેમ પામી શકતા હશે એ કોયડો હજુ લગી હું ઉકેલી શક્યો નથી.’ આવા તો કેટલાય વાક્યો આપણે તારવી શકીએ અને પછી લાગે કે રાષ્ટ્રપિતા એક ચિંતક પણ હતા. . તેમના અન્ય ગુણોના ગાયનને લીધે આ લક્ષણ આપણે ઓછું પામી શક્યા છીએ.

   ગાંધીજી પછી દેશ નેતાઓની આત્મકથાની વાત કરીએ તો નેહરુની આત્મકથા પણ ઘણી રસપ્રદ છે અલબત્ત ગાંધીજીની આત્કથા કેવી પારદર્શક હોય તેવી અપેક્ષા પણ ન રાખી શકાય. જોકે તેનું મૂળ નામ હતું 'જેલમાં અને જેલ બહાર'. અંગ્રેજ પ્રકાશકે તેને નામ આપ્યું જવાહરલાલ નહેરું એક આત્મકથા અને તેનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે, ‘મારી જીવનકથા : જવાહરલાલ નહેરુ.’

   પુસ્તક ઘણું મોટું છે. જવાહરલાલનાં બાળપણ, વિદેશ અને જાહેર જીવન વિશે તેમજ જેલવાસ વિશેષમાં ઘણું ઘણું વર્ણન છે. મહાદેવભાઈ પુસ્તક વિશે લખે છે, આ પુસ્તકનાં અભ્યાસથી જે તાકાત અને શિક્ષણ મળે છે તે આપણા ઇતિહાસના કોઈપણ અભ્યાસને છોડવો પાલવે તેમ નથી.

   આત્મકથાનું પૂર્ણ સ્વરૂપ કદાચ સત્યનાં પ્રયોગો હશે પણ આપણી ભાષામાં આ દિશામાં ચાલવાની શરૂઆત કરી નર્મદે. ‘આ દેશમાં ઇતિહાસો અને જન્મ ચરિત્ર લખવાની વિદ્યા સારી પેઠે ખેડવામાં આવી નથી. રાજ દરબારી ઇતિહાસો તો જૂઠા-સાચા કેટલાક મળી આવશે પણ જન્મ ચરિત્રનાં તો વાંધા જ..’ અને આત્મકથા નામે મારી હકીકત લખીને નર્મદે તે ચાલ પાડ્યો. આત્મકથા લખવાનાં ઘણા કારણો નર્મદે આપ્યા, તેમણે કહ્યું આ હકીકત લખું છું તે કોઈના માટે નહીં પણ મારે જ માટે. મારે માટે પણ તે ઓળખાવાને નહીં દ્રવ્ય પદવી મેળવવાને માટે નહીં પરંતુ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યા કરે તેને માટે.’’

   ડાંડિયો જેવું સુધારાવાદી અખબાર અને ગુજરાતની ગરિમાવાળી કવિતાઓ ગાનાર નર્મદે આત્મકથા માટે લખ્યું હતું. આ હકીકત અધૂરી છે અને ખરડો છે તેમ સમજવું. કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારું કુટુંબ સંબંધીઓને નુકસાન પહોંચાડવાનો હાલ લખવી હું ઘટિત ધારતો નથી. અને તેણે લખ્યું આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું પણ જે જે હું લખીશ તે તો મારી જાત પર સાચેસાચું જ લખીશ. પછી તે મારું સારું હો કે નરસું હો, લોકને પસંદ પડે કે ન પડે.

   નર્મદ પોતાના જીવનની ૩૩ વર્ષની કથા દસ વિરમોમાં આપી છે. જેમાં સુરતમાં વીતેલા બાળપણનાં સ્મરણો પોતાનો ગાંડો હાથી પડ્યો ત્યારે પોતે કેવા ભાગ્યા. તાપીને કાંઠે ન્હાવાની મજાથી લઈને મુંબઈ વસવાટ અને મુંબઈથી પરત આવવાની વાતો અને કવિતા કર્મની વાતો તેમજ સમકાલીન કવિઓ સાથેના વ્યવહારો તથા તત્કાલીન ગુજરાત આલેખ્યા છે નિખાલસતા તો એમની આત્મકથામાં પણ પ્રગટે છે. તેઓ લખે છે “હું ભાંગ પીતો, પાન ખાતો (બીજી જાતની કંઈ પણ કેફ ન કરતો) અને બૈરાઓમાં મહાલતો એકાંતમાં હું નામ મેળવવાનાં અને તેને અમલમાં આણવાનાં ચિચાર પછી ખાનગી કે જાહેર તે વખત બિલકુલ ન હતા...”

   કવિ, પત્રકાર અને સમાજ સુધારક તથા બોલ્ડ માણસ નર્મદની આત્મકથા પણ અનમોલ છે ડૉ. રમેશ શુકલએ આ આત્મકથાની કેટલીક દેખીતી અધુરપ વિશે પ્રશ્નો ઉઠાવ્યા છે. પણ તે પ્રશ્નો વિવેચકો માટેના છે, વાંચકો માટેના નહીં.

   આત્મકથા લખવાનો ચલ ગુજરાતી ભાષામાં નર્મદે પાડેલો ત્યારે પછી તો અનેક આત્મકથા ગુજરાતને મળી છે. ૧૮૯૦માં શીરીન મડમ નામનું આત્મકથન આવ્યું તે શીરીન નામની પારસી સ્ત્રીએ લખ્યું હતું જેમાં જૂના પારસી કુટુંબની વાતો બ્યાન થઈ છે. મણીલાલ નભુભાઈ ત્રિવેદીએ આપ્યું આત્મવૃતાંત જેમાં કુટુંબીઓ કુટુંબ કલેશ નિષ્ફળ લગ્ન જીવન અને વેદ અધ્યયન તથા પોતાના ચારિત્ર્ય વિશે ફેલાયેલી ગેરસમજો અંગેની વિગતો છે.

   નારાયણ હેમચંદ્રે હું પોતે આત્મનચરિત્ર આપ્યું અને એ પછી ગોવિંદભાઈ હાથી ભાઈ દેસાઈનું વડોદરામાં ૪૦ વર્ષે પણ આવ્યું. જામફળ જલેબી સાઇકલની જાન જેવી રમણીય વાતોથી સભર દત્તુની કથા એટલે કે કાકા કાલેકરના બાળપણના સંસ્મરણો સ્મરણયાત્રા નામના પુસ્તકમાં સરસ આલેખાયા છે જે ૧૯૩૪માં પ્રકાશિત થયું હતું.

   ગુજરાતી કથા વિશ્વના નાટકો પૈકીના એક કનૈયાલાલ મુનશીએ અડધે રસ્તે (૧૯૪૨) સીધા ચઢાણ ભાગ ૧-૨ (૧૯૪૩) અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં (૧૯૬૩) એમ ચાર ગ્રંથોમાં આત્મકથા આપી છે. એવું કહેવાય છે કે, આ આત્માકથાઓમાં પણ નવલકથા જેવો વાર્તારસ છે. સત્ય નિષ્ઠાની દ્રષ્ટિએ તેને વિશેષ મહત્વની ગણાઈ નથી પણ કલાત્મકતાને લીધે અભ્યાસુઓએ તેને સીમાચિહ્ન રૂપ ગણી છે.

   નર્મદની ‘મારી હકીકત’થી શરૂ થયેલી આત્મકથાઓની આ સરિતા પછી તો ‘આતમને અજવાળે’ – ધનસુખલાલ મહેતા, નાનાં હતા ત્યારે – ડૉ. હરિપ્રસાદ દેસાઈ, જીવન પંથ અને જીવન રંગે-ધૂમકેતુ, મધ્યાહાનના મૃગજળ અને ગઈકાલે- ર.વ.દેસાઈ, જેવા ઘાટો પર વાંચકોને ભીંજવતી રહી છે. રમણલાલ દેસાઈએ બાળપણ, કૉલેજ, જીવન અને નોકરીના ભૂતકાળના દિવસો પર દ્રષ્ટિપાત કર્યો છે. ચં.ચી.મહેતાની ગઠરિયા શ્રેણી બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા. સફર ગઠરિયા, અંતર ગઠરિયામાં તેમણે જે પોરાપ્ત કર્યું જે ખોયું તેંય રસતરબોળ શૈલીમાં વર્ણન છે. પોરબંદર ગાંધીજી સિવાય પણ જેમના નામે ઓળખાય છે તે..નામ, સુદામા કે સરમણ નહીં, નાનજી કાલિદાસ મહેતા, તેમણે પણ ‘મારા જીવનની અનુભવ કથા’ નામે આત્મકથન લખ્યું છે. નવગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા તો છ ભાગમાં છે જેમાં અંગતજીવન, જાહેરજીવન બધું જ છે.

   ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કદાચ ગુજરાતી સાહિત્યમાં સત્યના પ્રયોગો પછી નવી પેઢીએ સૌથી વધુ વાંચેલી આત્મકથા હશે તેવું અનુમાન સૌ કોઈ દાઢીધારી (સિતાંશુ મહેતા સિવાય) સૌ કોઈ સફેદ વાળ વાળા (નરોત્તમ પલાણ સિવાય) સૌ કોઈ થેલાવાળા સૌ કોઈ સંપાદકો (...) સૌ કોઈ પ્રાધ્યાપકોની નારાજગી વહોરીને પણ કરી લેવા જેવું ખરું. બક્ષીતો બક્ષી હતા-જે લોકો તેમને એકવાર પણ, એક જ વાર પણ મળ્યા છે, તેમને વાંચ્યા-સાંભળ્યા છે તેઓ બોલે જ. પરંતુ બક્ષી શું કામ બક્ષી હતા ? તે જાણવા બક્ષીનામામાંથી પસાર થવું પડે. પાલનપુર, કોલકત્તા, મુંબઈ... બધું અલગ ચંદ્રકાંત બક્ષી એક! તેમની શૈલી, તેમનું ‘આઇ’અદ્દભુત હતું. કુત્તી પરનો કેસ હોય કે બા નાવાસન પછી સાડાત્રણ કલાક સુધી રડવું ન આવ્યું હોય તેનું વેધક વર્ણન હોય કે ઇનામોનો અસ્વીકાર.. બક્ષીર ખરેખર આત્મવાન બનીને લખ્યું હતું. એમ તો ભગવતીકુમાર શર્માએ આત્મકથા લખે તે પહેલાં તેમની આત્મકથાના નવલકથા અસૂર્યલોક પણ ખાસી પ્રિય બની જ હતી ને ?

   લેખકના જીવનની ઘણી વાતો, ઘણા પાત્રો જેમાં સંકળયેલાં છે, તે આત્મકથાનાત્મક લખાણ છે અને પહેલો પુરુષ એકવચનમાં જે લખાય તે આત્મકથા છે-જ્યાં ઘટના કે પાત્રો કરતાં કથન મહત્વનું છે અને કલ્પનાનો કોઈ સ્થાન નથી. ઓટોબાયોગ્રાફિકલ નોવેલમાં સમરસેટ મોમની ‘ઓફ હ્યુમન બોન્ડેજ’ તરત યાદ આવે. ફિલિપ, મિલ્ડેડ.. અને એક પછી એક વેદનાથી ભરેલી ઘટનાઓ... આન્દ્રે મોર્વા કહે છે, ‘ આત્મકથા સત્યની હિંમતબહતી શોધ છે જેમાં માણસ ઇમ્પોઝ નહીં, એક્સપોઝ થવો જોઈએ.’ ઉઘાડવો જોઈએ. જે કંઈ પણ ન લખી શકે તે આત્મકથા તો લખી જ શકે. પરંતુ આત્મકથા લખતા પહેલાં માણસે ઘણું લખવું પડે, કાંઈક કરી બતાવવું પડે. વ્યક્તિની આત્મકથામાં કોઈને રસ ન હોય, વ્યક્તિત્વની આત્મકથા વંચાય!!

   સદ્દગત નેલસન મંડેલાની આત્મકથા ‘લોંગ વોક ટુ ધ ફ્રિડમ’માં તેમના જેલવાસની યાતનાભરી અને ધ્રુજાવી દે તેવી વાતો છે. જેલમાં તેમને કેટલા પરેશાન કરાતા, તેઓ કેવી રીતે ઘરે પત્ર મોકલતા કે પછી અન્ય કેદીઓને કેવી રીતે પોઝિટિવલી મોટીવેટ કરતાં તેવી ઘણી વાતો એમાં છે. ગુજરાતીમાં ભાષામાં તો કથાઓ પણ ઓછી લખાય છે. નવલકથાઓ લખાય છે જેમાં નવલ કાંઈ હોતું નથી – ટૂંકીવાર્તાઓ લખનારાની યાદી ટૂંકી છે ગઝલ લખનારાઓના તો ગામ વસ્યાં છે!!! હા, ચિનુ મોદી કહે છે કે મારી ગઝલો કે મારા શેરો જ મારી આત્મકથા છે. પરંતુ દરેક ગઝલકાર બે મિસરા કે પાંચ શેરમાં આત્મકથા થોડો નિપજાવી શકે ? ગુજરાતીમાં પણ આત્મકથાને આવકાર્ય છે. અન્ય ભાષાઓની વાત કરીએતો જેવો આત્મકથાનો આત્મશ્લાધા ગણાવતા તે અમૃતા પ્રીતમની આત્મકથાનું નામ ‘રેવન્યુ સ્ટેમ્પ’ છે તે તો જાણીતી વાત છે. પરંતુ તેની પાછળ એક સરસ વાત છે. પત્રકાર-લેખક ખુશવંતસિંહ સાથે કથાની વાત ચાલુ હતી, અને ખુશવંતે કહ્યું – ‘તારી કથામાં છેય શું ? રેવન્યુ સ્ટેમ્પ પર લખીશ તો ય લખાઈ જશે..’ પછી જે કૃતિ લખાઈ તેનો અનુવાદ હિન્દી, ગુજરાતીમાં પણ મળ્યો છે. સાહિત્ય, સાહિર, ઇમરોઝ.. સંબંધોનું અમૃત, જીવનની કડવી હકિકતો બધું જ છે રેવન્યુ સ્ટેમ્પમાં.

   જગપ્રસિદ્ધ અસ્તિત્વવાદી જ્યાં પોલ સાત્રે પણ પોતાના સાહિત્યમાં વિરાટ દર્શન આપ્યા પછી ‘વડર્ઝ’ નામની આત્મકથા લખી હતી. તેમનું એક મસ્ત વાક્ય – ‘મોઢે ચડાવેલું બાળક, ગમગીન નથી. તે ફક્ત કંટાળી ગયું હોય છે, રાજાના કૂતરાની જેમ.’ પ્રસિદ્ધ હાસ્યલેખક જ્યોર્જ બનાર્ડે શોની આત્મકથાનું નામ છે. ‘સિકસ્ટીન સેલ્ફ સ્કેચીઝ.’ એમાં એક વાક્ય છે, ‘ઘણી વાર હું એક માણસની લઘુમતિમાં હતો, એ રીતે લઘુમતિમાં રહેલો માણસ નેતા બનતો હોય છે.’

   લોકસભાની ચૂંટણી -૨૦૧૪ આવી ત્યારે સ્થિતિ અલગ હતી બાકી બનાર્ડ શો એ જે કહ્યું અને અનુભવ્યું તે જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ અનુભવ હતો ? જાપાનના વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક-રોશોમાનના સર્જક અકીરા કુરોસાવાની આત્મકથાનું નામ છે – ‘સમથિંગ લાઇક એન ઓટો બાયોગ્રાફી’ – આત્મકથાના જેવું કંઈક. તેઓ નાનાં હતા ત્યારનું ટોકિયો, જાપાનનું જીવન, ફ્રેંચ ફિલ્મ દિગ્દર્શક જ્યાં રેનવા સાથે કરેલું કામ, મોટાભાઈની આત્મહત્યા, અને છાપામાં છપાયેલી જાહેરખબર પરથી થયેલો ફિલ્મ કારકિર્દીનો આરંભ.... કુરોસાવાએ આત્મકથા પાના પર ઉતારી, ઈટાલીના ફેડરિકો ફેલ્લિનીએ સ્ક્રીન પર જ આત્મકથન કર્યું. તેમણે એવી ફિલ્મો બનાવી જેવા પાત્રો અને પટકથા દ્વારા તેમણે પોતાના જીવનની વાતો કહી. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘લાઈમ લાઈટ’ એમ તો તેમની આત્મકથા જ કહી શકાય.

   માધ્યમો બદલાયા, તેમ તેમ આત્માભિવ્યક્તિની શૈલી બદલાઈ પરંતુ આત્મપરીક્ષણ, આત્મ નિવેદન કરવાની માનવીની ઝંખના તો એ જ રહી... આત્મકથાઓ વિશે વાતો કરવામાં તો સમય અને સ્પેસ બન્ને ઓછાં પડે, મહાન આત્માઓના પરિચય માટે તો આત્મકથાઓ વાંચવી જ પડે. અને એવું જરાય જરૂરી નથી હો કે પાનાં જ ભરવાં... વ્હોટ્સએપ કે એક.બી. પર પણ આત્મકથા તમે મૂકી શકો, જો આત્મા તેમાં હોય તો કોઈ પણ કથા કોઈપણ માધ્યમો થકી વંચાય જ.


0 comments


Leave comment