39 - 'મા'નાં મંદિરિયાં મનહાર / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ગબ્બર ગોખે ગુંજાર રે,
ચાચર ચોકે ચમકાર રે,
    'મા'નાં મંદિરિયાં મનહાર.

સૂરજ ચંદર ઝાંખા લાગે,
    ઝાંખી તારકહાર;
'મા'ની મધુરી મીટડી નીતરે,
    તેજનો પારાવાર રે,
એમાં સોહે સકલ સંસાર રે,
    'મા'નાં મંદિરિયાં મનહાર.

કેવળ કરુણામય છે માતા,
    બાળક પર અતિ પ્યાર,
શરણ ગ્રહ્યે ભવતારિણી અંબા;
    સદ્ય કરે ભવપાર રે,
એના ગુણ શું ગાઉં ગમાર રે,
    'મા'નાં મંદિરિયાં મનહાર.

વ્રેમંડ કેરો ડોલે હિંડોલો
    પાનીને ઠમકાર,
કુંકુમવરણા ચરણા પર હું
    જાઉં સરોદ બલિહારી રે,
મારું આયખું આખું ઓવાર રે.
    'મા'નાં મંદિરિયાં મનહાર.


0 comments


Leave comment