41 - માનસરનો હંસ થાવું / મનુભાઈ ત્રિવેદી ' સરોદ'


હો મોરલાને માનસરનો હંસ થાવું.

વાએ વરસતી વોરી વાદળીઓ
    ગહેક્યા કર્યું બહુ વાર;
થનગન થનગન નાચ્યો આ મોરલો,
    નચવી નીલ કુંજાર રે;
હો મોરલાને હાવાં હેમાચળ જાવું : -
હો મોરલાને માનસરનો હંસ થાવું.

રંગબેરંગી પીંછડા કેરો એણે
    હોંશે ઉતાર્યો શણગાર;
ભીતર જ્યોતે શ્વેત થવાનો એના
    અંતરિયામાં ઈતબાર રે ;
હો મોરલાને આ રે કાયામાં પલટાવું : -
હો મોરલાને માનસરનો હંસ થાવું.

જોઈ વીરૂપતા હાસે છો દુનિયા,
    એની તમા ન લગાર;
સૂના સરોદની સુરતાના કાંઇ
    લાગ્યા હેમાળે તાર રે;
હો મોરલાને કૈલાસી ગોદમાં લપાવું : -
હો મોરલાને માનસરનો હંસ થાવું.


0 comments


Leave comment