43 - ઝબકે ઝીણા આગિયા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


કાંઈ જગવગડાની વાટે રે,
કાંઈ જીવનજળને ઘાટે રે
    ઝબકે ઝીણા આગિયા હો જી.

અંતરમાં છે તપન અનેરી, એ જીરવી નવ જાય;
જ્યોત ઝળે નહીં, મોત મળે નહીં, કેવળ એ ઝબકાય :
કાંઈ મનમંદિરને પાટે રે,
કાંઈ જીવનજળને ઘાટે રે
    ઝબકે ઝીણા આગિયા હો જી.

રજની અતિ અંધાર ભરેલી, ઝીણા ઝબકે માંય;
એક ડગલું અજવાળે નહીં, એની જ્યોતે એ જ કળાય:
કાં તારલિયા શી છાંટે રે,
કાંઈ જીવનજળને ઘાટે રે
    ઝબકે ઝીણા આગિયા હો જી.

નિત જોઉં , નિત મનડે મોહું, વળી વળી કરું વિચાર ;
ઝબકે, કેવળ ઝબકે એ તો ઉજાસ કે અંધકાર ?
કાંઈ કાળજ કૂણાં કાટે રે,
કાંઈ જીવનજળને ઘાટે રે
    ઝબકે ઝીણા આગિયા હો જી.


0 comments


Leave comment