44 - હરિવશ રહેણાં / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


નમતે નેણાં રે
    જૂજ કહેવાં વેણાં.

વાર બહુ લાગે પ્રગટંતા
    હલચલ થાતી બાતી;
કેમ ભલા હરિ વાસ કરે?
    તારી થડક થડક હજી છાતી:
    સમજી સહેણાં રે,
        જૂજ કહેવાં વેણાં.
મેળવણે પડયું દૂધ પરંતુ
    થીર નથી ઠેરાતું;
દહીં ન મળતું, માખણ કેરું
    સ્વપ્નુંય જાય વિલાતું :
    લેણાં દેણાં રે,
        જૂજ કહેવાં વેણાં.

તારા વશની વાત ન મનુવા,
    પવન પછેડી બાંધી
મનને મનશું લીન કરી, લય
    હરિ શું દેવી સાંધી :
    હરિવશ રહેણાં રે,
        જૂજ કહેવાં વેણાં.


0 comments


Leave comment