45 - ઊંઘરાટા પગલાં / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
કિયાં રે જવું ને કિયાં વઈ જાતાં રે
ઊંઘરાટા પગલાં
કિયાં રે જવું ને કિયાં વઈ જાતાં !
ફૂલ એને તેડે ને શૂળ એને તેડે;
જવું રે વનરામાં રૂડાં ફળ કેરા નેડે;
રણ કેરી રેતે રગદોળાતાં રે -
ઊંઘરાટા પગલાં
કિયાં રે જવું ને કિયાં વઈ જાતાં !
સર રે તેડે ને એને સરોવર તેડે;
જવું રે પિયાવે મીઠી તૃપતિના નેડે;
ખારે રે સાગર ડચકાં ખાતાં રે -
ઊંઘરાટા પગલાં
કિયાં રે જવું ને કિયાં વઈ જાતાં !
ઉડ઼ુગણ તેડે એને દ્યુતિકણ તેડે;
જવું રે ગગન ગોખે નૂર કેરા નેડે;
સૂના રે સૂનકારે એ અથડાતાં રે -
ઊંઘરાટા પગલાં
કિયાં રે જવું ને કિયાં વઈ જાતાં !
ઝબૂક દીવડો એના હૈયામાં રાજે;
નેડલે તેડે છે એને અરવ અવાજે;
સુણે ન્હૈં સરોદ એ લથડાતાં રે -
ઊંઘરાટા પગલાં
કિયાં રે જવું ને કિયાં વઈ જાતાં !
0 comments
Leave comment