46 - કિયા વતન કેરી વાસી? / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
કિયા વતન કેરી વાસી રે
હો સાધ મારી,
કિયા વતન કેરી વાસી રે હો જી?
શું રે કારણ આવી અવની ઉદ્યાનમાં,
આવી ને ખીલી બારમાસી રે હો જી;
શાને તું માનવીનો આવો અવતાર પામી
ફેરામાં લાખ ચોરાસી રે ? -
હો સાધ મારી,
કિયા વતન કેરી વાસી રે હો જી?
રસ -રંગ-રૂપ કેરો દરિયો આ ભરિયો, એમાં -
શાને રહે તું આમ પ્યાસી રે હો જી ?
અજવાળાં આંખમાં ને કામણ છે કંઠમાં
હૈયામાં શાને ઉદાસી રે ? -
હો સાધ મારી,
કિયા વતન કેરી વાસી રે હો જી?
બુદ્ધિ ન પહોંચે જયાં ને વાણી ન વરણે જેને
એવાં શું ધામની નિવાસી રે હો જી ?
મનગમતાં રૂપ લેઇ વિધવિધ આવાસ જોવા
આવી ચડી શું પ્રવાસી રે ? -
હો સાધ મારી,
કિયા વતન કેરી વાસી રે હો જી?
જુગજુગ કેરી જુગતિએ છઇએ
અરસપરસ વિસવાસી રે હો જી;
કહે છે સરોદ, તારાં તેજ જશે
મારા મનનો અંધાર અંજવાસી રે : -
હો સાધ મારી,
કિયા વતન કેરી વાસી રે હો જી?
0 comments
Leave comment