48 - ઘટમાં વાગે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે,
વાલમ, વસમું વલોણું થાય :
ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે.

મહીડાં જીવતર કેરાં મેળવ્યાં રે,
મેળવણ મહદેચ્છાનું માંય :
ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે.

રાતભર જાગી જોયું ઠામડું રે,
ઊગતે પ્હોર વલોવણું થાય:
ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે.

કોણ આ તાણે નેતરાં તોરથી રે ?
કોણ આ મીઠે સૂર વળી ગાય ?
ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે.

હળવે હાથે વલોવવા ન્હૈં કહું રે,
માખણ મથ્યા વિણ ન પમાય :
ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે.

અવિરત રે અભિલાષા ઊછળે રે,
કોક દી કાનજી લૂટી જાય. :
ઘટમાં વાગે ઘનનો ઘૂઘરો રે.


0 comments


Leave comment