49 - ઘટની આરજૂ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
એણે જળ રે જમુના કેરાં બહુ ભર્યા રે,
હાવાં જળ ભરવું છે અસહ્ય;
ઠાલાપણું નવ ગમે રે.
એણે મોહને મારેલ કાંકરી રે,
એના કંઠે કોરાયું છે વીંધ; -
ઠાલાપણું નવ ગમે રે.
એના મોહને મારગ આંતર્યા રે,
એને ગોપીએ મેલ્યો અધપંથ; -
ઠાલાપણું નવ ગમે રે.
એના અંતરિયે જાગી આરજૂ રે,
મારું કોરી નાખો અંગે અંગ; -
ઠાલાપણું નવ ગમે રે.
બળ્યો ઘટનો અવતાર જળે ભર્યો રે,
મારે અંતરે પેટવો અગન; -
ઠાલાપણું નવ ગમે રે.
હું તો હરખે ઘૂમીશ ચાચર ચોકમાં રે,
હૈયે ગરબો થવાનો ઉમંગ; -
ઠાલાપણું નવ ગમે રે.
0 comments
Leave comment