50 - માવો તને નહીં મૂકે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ભલે વ્યોમે વલોણુ માંડ,
    માવો તને નહીં મૂકે રે :
તારાં ગોપી, અળવીતરા છાંડ,
    માવો તને નહીં મૂકે રે.

ગોરસનો ઘટ તારો છલવા છકેલો;
તાણ્યાનો તોર તારો અતિ અલબેલો;
છો એ લાંબે ઘૂંઘટડે ઢાંક,
    માવો તને નહીં મૂકે રે :
તુંયે હળવે રહી ચોગમ ઝાંખ,
    માવો તને નહીં મૂકે રે.

ઘંમરવલોણુ તારું અવિરત ગાજે;
મલકંતે ઘટ તારો દોહદ રાજે;
તારો છૂપો ન અમથીય ઘાટ,
    માવો તને નહીં મૂકે રે :
તારાં મહી એને છે માથા સાટ,
    માવો તને નહીં મૂકે રે.

જોઈ શકી શું આવ્યો કંકર ક્યાંથી ?
ક્યારે આવી ને ક્યારે સરક્યો એ ભાથી ?
તારું વીંધાયું મહી કેરું માટ,
    માવો તને નહીં મૂકે રે :
હવે મેલ ઠાલો ઉકળાટ,
    માવો તને નહીં મૂકે રે.


0 comments


Leave comment