51 - મેરમજીના મોલે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
મેરજીના મોલે રે
મૂંઝાઈ મરીએ અબોલ.
જનમ-મરણની ઠાલી ઠેશથી
જીવનના હિંડોલે
શ્વાસોચ્છવાસની ચડ-ઊતરમાં
જીવ ચડ્યો છે ઝોલે :
મેરજીના મોલે રે
મૂંઝાઈ મરીએ અબોલ.
મેરમજીની મીઠપ કેવી,
ખલક ખજાના ખોલે;
વ્હાલમજીના વેણ વિના એ તો
તણખલાને તોલે :
મેરજીના મોલે રે
મૂંઝાઈ મરીએ અબોલ.
કોઈક વેળા કોઈ અગોચર
સ્પરશે ભાલ કપોલે;
હરખે ઘેલું હૈયું નાચે
હેત પ્રીતના કોલે :
મેરજીના મોલે રે
મૂંઝાઈ મરીએ અબોલ.
0 comments
Leave comment