1 - ભાગ – ૧ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


    થોડાં વરસ પહેલાં મેં ‘અથ માંદગી-મહિમા’ નામનો લેખ લખેલો. એ લેખમાં મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે ‘હે પ્રભુ ! જેમાં બાદશાહી આરામ સુલભ હોય એવી એકાદ ભવ્ય માંદગી મને આપો !’ પ્રભુએ બહુ લાંબા સમય સુધી આ અંગે કશી કાર્યવાહી કરી નહિ એટલે મેં માન્યું કે મારી અરજી પ્રભુએ ફાઈલ કરાવી દીધી હશે. આમ છતાં, આરામદાયી માંદગી માટેની મારી ઝંખના શમી નહિ. જુદીજુદી માંદગીઓમાં લોકોને શાહી આરામ ફરમાવતાં જોઈ મને એમની બહુ ઈર્ષા થતી. આટલાં બધાં લોકોની ખબર કાઢવા જવાના થાકથી જ માણસ માંદો પડી જાય ! પણ જુદાંજુદાં લોકોની ખબર કાઢવા જવાને કારણે મારે વારંવાર અને ઠીકઠીક પ્રમાણમાં ચાલવાનું થતું. આ વ્યાયામને કારણે મારું શરીર ઊલટું વધુ સારું થયું. અમારા એક મિત્ર તો કોઈને પણ ખબર કાઢવા જાય તો એની માંદગીનો ચેપ લઈને જ આવે છે. મને તો ક્યારેય આ રીતની ઉછીની લીધેલી માંદગીનો લહાવો પણ મળ્યો નહોતો !

    - પણ એક દિવસ મારે આંગણે સોનાનો ચંદ્ર ઊગ્યો – એક રાત્રે મને છાતીમાં દુખવા માંડ્યું. (સ્પષ્ટતા : લોકોને સોનાનો ‘સૂરજ’ ઊગતો હોય છે. પણ મારી માંદગીનો શુભારંભ રાત્રે થયો એટલે સોનાનો ‘ચંદ્ર’.) હૃદય આનંદવિભોર બની ગયું. આરામદાયી માંદગીની ઝંખના મેં હૃદયથી કરી હતી. હૃદયની ઝંખના હૃદયના જ રોગથી પૂરી થાય એ તો અત્યંત શુભસંયોગ કહેવાય. પ્રિય માટે જાન કાઢી દેનારાનાં નામ અમર થઈ ગયાં છે – ‘ધ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ની શ્રેણી વહેલી શરૂ થઈ હોત તો લયલા-મજનૂ, શીરીં-ફરહાદ, હીર-રાંઝા વગેરેનાં નામ એમાં અવશ્ય નોંધાયાં હોત. પણ માંદગી માટે જાન કાઢી દેવા હજુ કોઈ તૈયાર થયાનું સાંભળ્યું નથી. એટલે મહાભારતના યુદ્ધમાં અર્જુન માટે જેમ બંને બાજુ લાભ હતો – જીતે તો પૃથ્વીનું રાજ્ય મળે અને મરે તો સ્વર્ગ મળે – એમ માંદગીને કારણે મારેય બંને બાજુ લાભ હતો – હૃદયરોગના હુમલા પછી જીવી જાઉં તો જિંદગીભર બાદશાહી આરામ મળે અને એમાં ખપી જાઉં તો પ્રિયાને ઝંખતા પ્રેમીની પેઠે ઝંખીને માંદગી મેળવનાર તરીકે ‘ધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં મારું નામ અમર થઈ જાય ! એટલે હૃદયરોગની સંભાવનામાત્રથી હું પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો.

   જે રાત્રે છાતીમાં દુખ્યું એના પછીની સવારે ઘણો વહેલો હું બાજુમાં જ રહેતા અમારા ફેમિલી ડૉક્ટરને ઘેર પહોંચી ગયો. ડૉક્ટર હજુ હમણાં જ ઊઠ્યા હતા. ઊઠતાંવેંત મારું મુખ દર્શન કર્યા પછી એમનો દિવસ કેવો જશે એ વિચારે મને થોડી ચિંતા થઈ. મેં ડૉક્ટરને કહ્યું, “સાહેબ, રાત્રે છાતીમાં બહુ દુખતું હતું.” જોકે ‘બહુ દુખતું હતું’ એમ કહેવું એ સાવ સાચું નહોતું, પણ વિશેષણોનો ઉપયોગ કર્યા વગર વાત કરવાનું મને ફાવતું નથી. છાતીમાં દુખવાની વાત સાંભળી ડૉક્ટર થોડા ગંભીર થઈ ગયા. એમણે કહ્યું, “છાતીમાં ? મને રાત્રે ને રાત્રે બોલાવી લેવો જોઈતો હતો.” ડૉક્ટરની વાત સાંભળી મારા હૃદયમાં ગંભીર અને લાંબી માંદગીની આશા જન્મી. મેં કહ્યું, “હવે જીવી જઈશ તો અવશ્ય એમ કરીશ.” આમાં મરી જવાની વાત ક્યાં આવી એ ડૉક્ટરને સમજાયું નહિ. પણ એ અંગે વધુ કશું ન કહેતાં તેઓ બોલ્યા, “ચાલો, આપણે દવાખાને જઈએ. તમે મારા સ્કૂટર પર બેસી જાવ.”

    “હું સ્કૂટર લાવ્યો છું.” મેં કહ્યું.
    “ના, હવે જ્યાં સુધી પાકું નિદાન ન થાય ત્યાં સુધી સ્કૂટર નહિ ફેરવવાનું. તમારા સનને મોકલી સ્કૂટર મગાવી લેજો. દવાખાનેથી રિક્ષામાં ઘેર જજો.” ડૉક્ટરે વધુ ગંભરી થઈને કહ્યું. ‘શુભ શકુન દીસે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત’ એવી કવિ નર્મદને ‘ગુજરાત’ વિશે થઈ હતી એવી લાગણી મને ‘માંદગી’ વિશે થઈ. કાયમ હડિયાપાટી કરતાં રહેવાની કાલરાત્રિ પૂરી થઈ છે અને હવે આરામનું મધ્યાહન શોભશે એવી આશા આપતાં શુભ શુકન મને દેખાવા માંડ્યાં.

    દવાખાનું બહુ દૂર નહોતું. દવાખાને પહોંચ્યા પછી ડૉક્ટરે મને ટેબલ પર સુવડાવ્યો, અને ગંભીર મુખમુદ્રા સાથે એમણે તપાસ આરંભી. પહેલાં મારું બ્લડપ્રેશર માપ્યું. પછી સ્ટેથોસ્કોપ મૂકી મારા હૃદયના ધબકારા ઝીલ્યા. પછી છાતીમાં જુદીજુદી જગ્યાએ દબાવ્યું : “અહીં દુખતું હતું?”. “અહીં?”, “અહીં?” કોઈ વાર મને લાગ્યું કે ડૉક્ટર જ્યાંજ્યાં દબાવે છે ત્યાં ત્યાં – દરેક જગ્યાએ મને દુખતું હતું તો કોઈ વાર એમ લાગ્યું કે એમાંની એક પણ જગ્યાએ મને દુખતું નહોતું ! આ પરિસ્થિતિમાં કઈ જગ્યાએ દુખતું હતું અને કઈ જગ્યાએ નહોતું દુખતું એનો નિર્ણય કરવાનું મારા માટે અત્યંત કઠિન હતું. આમ છતાં, ડૉક્ટરની મહેનત સાવ એળે ન જાય એ માટે ૨:૧ ના પ્રમાણમાં મેં હા અને ના પાડી.

    “છાતીમાં દુખ્યું ત્યારે પરસેવો વળ્યો હતો ?” ડૉક્ટરે વળી એક અઘરો પ્રશ્ન પૂછ્યો.
    “પરસેવો તો મને છાતીમાં નથી દુખતું ત્યારેય વળતો હોય છે. મારો ગરમીનો કોઠો છે.” મારા જવાબથી ડૉક્ટર થોડા મૂંઝાયા અને થોડા નારાજ થયા. કહે, “એમ નહીં, ગઈ રાત્રે છાતીમાં દુખ્યું ત્યારે પરસેવો વળ્યો’તો કે નહીં તે કહો.”
    “બહુ નહોતો વળ્યો, જોકે સાવ નહોતો વળ્યો એમ પણ ન કહેવાય.” મેં મધ્યમમાર્ગી ઉત્તર આપ્યો.

    “દાદર ચડો ત્યારે હાંફ ચડે છે ?”
    “ઓફિસમાં તો લિફ્ટમાં જ ચડવા-ઊતરવાનું હોય છે. કેટલાંક સગાં-સ્નેહીઓ પાંચમા-છઠ્ઠા માળે રહે છે, પણ ત્યાંયે લિફ્ટ છે. કેટલાંક સગાં-સ્નેહી ત્રીજા માળે રહે છે, પણ એમને ત્યાં ઘણા સમયથી ગયો નથી. મને પહેલાં સેકન્ડ ફ્લોર પર ફ્લેટ મળ્યો હતો, પણ મેં ફર્સ્ટ ફ્લોર પર ટ્રાન્સફર કરાવી લીધો એટલે ઘેર પણ ઝાઝાં પગથિયાં ચડવાનાં નથી હોતાં. છાતીમાં દુખ્યા પછી એ પગથિયાં ઊતરીને તમારી પાસે આવ્યો છું, પણ એ પગથિયાં ચડવાનું હજુ બન્યું નથી. હવે ઘેર જઈશ અને પગથિયાં ચડીશ અને એ વખતે હાંફ ચડશે તો હાંફ બેસી ગયા પછી....” બીજો પ્રશ્ન નહીં પુછાય ત્યાં સુધી હું આ પ્રશ્નનો ઉત્તર આપ્યે રાખીશ એવી બીક લાગવાથી ડૉક્ટરે મને વચ્ચેથી અટકાવ્યો અને પૂછ્યું, “ઝડપથી ચાલો કે દોડો ત્યારે શ્વાસ ચડે છે ?”

    “હું ઝડપથી ક્યારેય ચાલતો નથી. તમે કાઠિયાવાડના એટલે કે સૌરાષ્ટ્રના એક રાજાની વાત જાણો છો ? કાઠિયાવાડના એક નાનકડા રાજ્યના રાજાની વાત એવી છે કે બાપુ એકવાર વેઈટિંગ રૂમમાં બેઠાંબેઠાં ટ્રેનની વાટ જોતા હતા – ટ્રેન આવી. ટ્રેન એ સ્ટેશને એક-બે મિનિટ માટે જ થોભતી હતી, પણ બાપુથી કંઈ ઉતાવળ થાય ? એ તો આરામથી ઊઠ્યા ને આરામથી ટ્રેન તરફ ચાલ્યા. કારભારીને થયું કે ટ્રેન હમણાં જતી રહેશે. એણે બીતાંબીતાં બાપુને કહ્યું, ‘બાપુ, જલદી ચાલો, ટ્રેન ઊપડી જશે.’ બાપુ કહે, ‘નાખી દીધાની વાત કર્ય મા ! ગાડી ઊપડી જાય ઈ સાટુ હું કાંઈ મારી હાલ્ય થોડી બદલું ?’ મારુંય આવું જ છે, સાહેબ ! ઓફિસે જવાનું મોડું થતું હોય તોય હું મારી ધીમી ચાલ બદલતો નથી. કૂતરું પાછળ પડે કે લાઠીચાર્જ થતો હોય એવા સંજોગોમાં દોડવું પડે, પણ આવી કોઈ જગ્યાએ હું ક્યારેય જતો નથી.”

    “આટલું લાંબુ બોલો ત્યારે થાક લાગે છે ?”
    “મને નથી લાગતો – સાંભળનારને લાગતો હોય એવો મને ક્યારેક વહેમ પડે છે – જોકે કોઈએ ક્યારેય કહ્યું નથી.”

    માત્ર પ્રશ્નોત્તરીથી નિદાન કરવાનું મારા કિસ્સામાં શક્ય નથી એમ ડૉક્ટરને લાગ્યું એટલે એમણે એ પ્રયત્ન પડતો મૂક્યો અને કહ્યું, “તમારું બ્લડપ્રેશર તદ્દન નોર્મલ છે. મસ્ક્યુલર પેઈન હોય એવું લાગે છે. છતાં આપણે કોઈ ફિઝિશિયનને બતાવી તો દઈએ. કોઈ કાર્ડિયોલોજિસ્ટ તમારા પરિચિત છે ?”

    “છે, પણ એ બહારગામ ગયા છે. પંદર દિવસ પછી આવવાના છે.”
    “ના ના, પંદર દિવસ તો રાહ ન જોવાય. આપણે કોઈ બીજા કન્સલ્ટન્ટને બતાવી તો દઈએ.” આમ કહી એમણે ટેલિફોનની ડાયરી કાઢી. ડૉક્ટરના કથનમાં હૃદયરોગની ખાતરીનો રણકો નહોતો તોપણ યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી. જેવી ઊંચી પરીક્ષાઓવાળી નોકરીઓમાં વેઈટિંગ લિસ્ટમાં નામ આવે તોય ઉમેદવાર રાજીરાજી થઈ જાય તેમ કન્સલ્ટન્ટને બતાવવાની જરૂર લાગી એનાથી હૃદયરોગની આશા મને બંધાઈ.

    ફેમિલી ડૉક્ટરની મદદથી શહેરના એક મોટા ગણાતા કન્સલ્ટન્ટ ફિજિશિયનની એપોઇન્ટમેન્ટ મેળવી. એમણે આપેલા સમયે હું એમના ક્લિનિક પર પહોંચ્યો ત્યારે હૃદયરોગવાળા અને હૃદયરોગની શક્યતાવાળા કેટલાક દર્દીઓ ત્યાં હાજર હતા. ક્લિનિકનું વાતાવરણ એકદમ ગંભીર હતું. સ્વજનો એમને અહીંથી સીધા સ્મશાને લઈ જવાના હોય એટલા બધા તેઓ ગભરાયેલા જણાતા હતા. મને એમની દયા આવી. આ પામર મનુષ્યો પોતાના સદભાગ્યને પિછાણી શકતાં નથી. હૃદયરોગ શું આલી-મવાલીને થાય છે ? આવો ભવ્ય રોગ હૃદયનાં દ્વારે આવીને ઊભો છે અને આ મૂઢમતિ જીવો એનું ઉમળકાભેર સ્વાગત કરી શકતા નથી ! હું હૃદયરોગનું સ્વાગત કરવા થનગની રહ્યો છું પણ ડૉક્ટર કહે, ‘મસ્ક્યુલર પેઈન હોય એવું લાગે છે !’ આયરની ! આયરની !

    મારો વારો આવ્યો. હું ખંડમાં પ્રવેશ્યો. ડૉક્ટરના આસિસ્ટન્ટે આવીને કહ્યું, “ઉપરનાં કપડાં ઉતારી નાખો.” હું કંઈ સમજવામાં ભૂલ ન કરું એટલા માટે એણે ‘ઉપરનાં’ શબ્દ જરૂર કરતાં વધારે ભાર મૂકીને ઉચ્ચાર્યો. કુસ્તી માટે પૂર્વતૈયારી કરતો હોઉં એવી છટાથી મેં ઉપરનાં કપડાં ઉતાર્યા. અર્ધવસ્ત્રાનાવરણવિધિ પૂરો થયો એટલે ડૉક્ટરે મારો કબજો સંભાળ્યો. સવારે ફેમિલી ડૉક્ટરે જે રીતે તપાસ્યું હતું તે જ રીતે શહેરના આ મોટા ડૉક્ટરે તપાસવા માંડ્યું. એમણે પ્રશ્નો પણ એના એ જ પૂછ્યા : “છાતીમાં દુખ્યું ત્યારે પરસેવો વળ્યો હતો. ?”, “દાદર ચડો ત્યારે હાંફ ચડે છે ?” વગેરે. મોટી ફીવાળા અને વધારે જ્ઞાન હોવાથી શક્યતાવાળા નિષ્ણાત ડૉક્ટરને પણ હૃદયરોગ અંગે ત્રણચાર પ્રશ્નોથી વધારે પ્રશ્નો આવડતા નથી એમ મને લાગ્યું. સવારે આપ્યા હતા એવા જ ઉત્તરો મેં આપ્યા. વૈવિધ્ય ખાતર એક-બે પ્રશ્નોમાં સવારે ના પાડી હતી એમાં અત્યારે હા પાડી અને સવારે હા પાડી હતી તેમાં અત્યારે ના પાડી. પછી એમણે મારું બ્લડપ્રેશર માપ્યું અને એ બોલ્યા. “હવે કાર્ડિયોગ્રામ લઈ લઈએ.” આજ સુધી ગુણવંત શાહના પુસ્તક ‘કાર્ડિયોગ્રામ’ સિવાય ‘કાર્ડિયોગ્રામ’ વિશે હું કશું જાણતો નહોતો. શરીરવિજ્ઞાનના કોઈ અજાણ્યા પ્રદેશમાં પ્રવેશવાની ઘડી આવી પહોંચી છે એમ મને લાગ્યું.

    કાર્ડિયોગ્રામ માટે એક ટેબલ પર મને સુવડાવવામાં આવ્યો. ડૉક્ટરે મારા હાથે-પગે વાયર બાંધ્યા. મારી નનામી બંધાતી હશે ત્યારે મને કેવું લાગશે તેની કલ્પના મારાથી થઈ શકતી નથી, પણ કાર્ડિયોગ્રામ લેવાનો વિધિ ઘણે અંશે નનામી બાંધવાના વિધિને મળતો છે. મારા શરીરે વાયર બંધાતા હતા ત્યારે મને થતું હતું, કે હમણાં કોઈ આવશે ને પૂછશે કે ‘લઈ જવાને કેટલી વાર છે ? બધા આવી ગયા છે ?’

    કાર્ડિયોગ્રામ કાઢી લીધા પછી ડૉક્ટરે કહ્યું, “હવે સ્ક્રિનિંગ કરી તમારા હાર્ટની સાઈઝ જોઈ લઈએ – મોટું તો નથી થયું ને ?”
    માણસ મોટા હૃદયવાળો હોય એ સારું કહેવાય એમ અત્યાર સુધી હું માનતો હતો. ‘હે પ્રભુ ! મારા હૃદયને મોટું બનાવજે’ એવી પ્રાર્થના પણ મેં અનેક વખત કરી છે. પણ આ નિષ્ણાત ડૉક્ટર હૃદય મોટું હોય એને સારી બાબત ગણતા હોય એવું લાગ્યું નહીં.

    ઈસુ પછી આટલાં વર્ષે બીજા એક મનુષ્યને ક્રોસ પર ચડાવવો હોય એમ એક અંધારા ખંડમાં પ્લેટવાળા પાટિયા સાથે મને લગભગ જડી દીધો – પછી છાતી પર બીજું પાટિયું લગાડી બે વચ્ચે મને ભીંસ્યો. આ વિધિ જ નબળા હૃદયવાળાના હૃદયને ચાલતું બંધ કરી દે એવો હતો.

    આ બધું પત્યા પછી ડૉક્ટર ખુરશીમાં બેઠા. અને મને સામેની ખુરશીમાં બેસવા કહ્યું. અર્ધે વસ્ત્રે વનમાં ભમતા નળરાજા જેવો હું પણ અર્ધે વસ્ત્રે જ ખુરશીમાં બેઠો. મારી પાસે ફી નહીં હોય એ કારણે મારાં કપડાં ઉતારી લેવામાં આવ્યાં છે એવી ગેરસમજ બીજા દર્દીઓમાં ફેલાશે એવા ભયથી ડૉક્ટરે કહ્યું, “હવે કપડાં પહેરી લો.” મેં કપડાં પહેર્યા. ડૉક્ટરે કહ્યું, “તમને અટેક આવ્યો નથી. પણ કાલે તમે બ્લડ-યુરિનનો રિપોર્ટ લઈ આવો, પછી વીગતે વાત કરીએ.” હૃદયરોગ થયો છે કે નહિ તે નક્કી કરવા માટે હૃદયની તપાસ કરાવી પડે તે બરાબર, પરંતુ એ માટે બ્લડ-યુરિનની તપાસ કરવાની શી જરૂર હશે તે હું સમજ્યો નહિ, પણ હું ચુપ રહ્યો.

    મેં એમને ફી અંગે પૂછ્યું. મારા હૃદયને આઘાત ન પહોંચે એ રીતે અત્યંત મૃદુતાથી એમણે એકસો ચાળીસ રૂપિયા માગ્યા. આટલી ફી લીધા પછી આ ડૉક્ટર મને છેક નિરાશ નહીં કરે એવી આશા બંધાઈ.

    બીજે દિવસે એક મોટી લેબોરેટરીમાં “મૈં તુમ્હે ખૂન દૂં, તુમ મુજે હાર્ટડિસીઝ યાં ડાયાબિટીસ દો – હો સકે તો દોનો દો’ એવી સાચા હૃદયની ભાવનાથી મેં લોહી અને શિવામ્બુના નમૂના આપ્યા. એ ડૉક્ટરે મારાં લોહી અને શિવામ્બુ ઉપરાંત એકસો વીસ રૂપિયા પણ મારી પાસેથી લીધા.

    સાંજે બ્લડ-યુરિનનો રિપોર્ટ લઈ મોટા ડૉક્ટર પાસે હું ફરી હાજર થયો. તેઓ રિપોર્ટ કાળજીપૂર્વક જોવા માંડ્યા. હું એમને આતુરતાપૂર્વક જોતો રહ્યો. થોડી વાર પછી એમણે કહ્યું, “જુઓ, હાલ કશી તકલીફ નથી, પણ....” વાક્યની શરૂઆતથી હું થોડો નિરાશ થઈ ગયો, પણ ‘પણ’ આવતાં મારામાં આશાનો પુન:સંચાર થયો. ડૉક્ટરે આગળ ચલાવ્યું : “લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ થોડું વધુ છે. ડાયાબિટીસ નોર્મલના છેડા પર છે – એટલે થોડું સંભાળવું તો પડશે.”

    મને હૃદયરોગ અને ડાયાબિટીસ હોય – વો સુબહ કભી તો આયેલી – એવી આશાનો ધ્વનિ ડૉક્ટરના કથનમાં સંભળાતો હતો. આશાભર્યા હૃદયે મેં પૂછ્યું, “મારે કેટલા દિવસ આરામ કરવો પડશે ?”

    “એવી કશી જરૂર નથી. ઓફિસે જવામાં કશો વાંધો નથી. હું ઉતારી આપું એ ટીકડીઓ પંદર દિવસ લો ને પછી બતાવો. ગળ્યું-તળેલું ઓછું ખાજો – ઓફિસ સિવાય બહુ આવ-જા ન કરશો.”

    “પણ મને શા કારણે છાતીમાં દુખ્યું હશે ?”
    “કદાચ હૃદયને લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાને કારણે એમ બન્યું હોય. પણ અત્યારે ચોક્કસ કશું કહી શકાય નહિ. તમારો કાર્ડિયોગ્રામ નોર્મલ આવ્યો છે એટલે ચિંતાનું કશું કારણ નથી.”
    “પણ હું થોડા દિવસ આરામ કરું તો ?” હું મારી તીવ્ર આરામવિષા છુપાવી ન શક્યો.
    “એમાં તો શું વાંધો ? પણ નકામી રજા શા માટે બગાડવી ?”
    “મેં આજ સુધીમાં સિક-લીવ ક્યારેય વાપરી નથી.”
    “તો પંદર દિવસ આરામ કરો ને દવા લો.”

    લાંબા બાદશાહી આરામની મારી આશા ફળીભૂત થઈ નહિ. આમ છતાં, હાલ તુરત તો પંદર દિવસના આરામથી સંતોષ માન્યા સિવાય છૂટકો નહોતો.


0 comments


Leave comment