2 - તૃતીય આવૃત્તિ વેળાએ.../ પગલાં તળાવમાં / અશોક ચાવડા 'બેદિલ'


આમ તો વાત એકલાની છે,
તોય મારી ગઝલ બધાની છે.
    2003માં 'તળાવ'માં પડેલાં 'પગલાં' 2012માં 'પગરવ' સાથે પુનઃ પ્રકાશિત થયા અને 'પગલાં'-'પગરવ'નો સમન્વય થતાં જાણે કે મારી વેદના-સંવેદનાનો અનોખો સુમેળ સધાયો. આજે 2014માં તે ત્રીજી વાર પ્રકાશિત થઈ રહ્યાં છે તેનો આનંદ બસ ઉપર્યુક્ત શેરથી વ્યક્ત કરું છું.

    'પગલાં તળાવમાં'ની 51 ગઝલો મુખ્યત્વે 1997થી 2002 સુધીના સમયગાળા દરમિયાન લખાયેલી છે અને તે વખતે શિષ્ટમાન્ય સામયિકોમાં પ્રકાશિત થઈને લોકચાહના પણ પામી છે. અનેક સંપાદનોમાં ગ્રંથસ્થ થઈ છે. આનંદ એ વાતનો છે કે આટલા વર્ષો પછી પણ આજેય આ સંગ્રહમાંની ગઝલો આવકાર પામી છે. આમ તો આ સંગ્રહમાંની મોટા ભાગની ગઝલો મને વિશેષ ગમે છે, કારણ કે પા... પા... પગલી વખતે મૂકેલી દોટ સરળતાથી માનસમાંથી ભૂંસાતી નથી. આ તૃતીય આવૃત્તિમાં દ્વિતીય આવૃત્તિની જેમ જ અન્ય પ્રકાશિત લેખોનો સમાવેશ કર્યો છે, જેથી મારી ભીતરના 'પગરવ' સુધી પહોંચવું સરળ બની રહે. 'પગરવ તળાવમાં'ની 108 ગઝલો 2003થી 2012 સુધીના સમયગાળામાં લખાયેલી છે. ખુશી એ વાતની છે કે તેની પણ બીજી આવૃત્તિ થઈ રહી છે. આમ, 1997થી 2012 સુધીની ગઝલો ભાવકોને ઉપલબ્ધ થઈ રહી છે. આ નિમિત્તે રન્નાદે પ્રકાશનનો તેમજ સર્વે વાચકો-ભાવકો-ચાહકોનો વિશેષ આભારી છું.

11, જાન્યુઆરી, 2014
- અશોક ચાવડા 'બેદિલ'


0 comments


Leave comment