3 - ચોથી આવૃત્તિ વેળાએ.../ પગલાં તળાવમાં / અશોક ચાવડા 'બેદિલ'


કાંઠાઓ રોઈરોઈને જળને પૂછી રહ્યા,
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?

    ઑક્ટોબર, 2000ની એક શનિસભામાં જ્યારે આ સંગ્રહની શીર્ષકગઝલ સંભળાવી હતી ત્યારે ઉપર્યુક્ત શેરને દાદ આપતા પ્રિય ગઝલકાર મનહર મોદીએ કહ્યું હતું કે અશોક, તારો આ શેર તો 2000 વર્ષ જીવશે. સાચું કહું તો એ વખતે મને પણ સુખદ આશ્ચર્ય થયું હતું. અલબત્ત આજે 'પગલાં તળાવમાં'ની ચતુર્થ આવૃત્તિ વખતે મનહરકાકાના એ સ્નેહને સાદર વંદન કરું છું.

    જેમ માતાપિતાને પહેલું સંતાન વહાલું હોય તેમ પ્રત્યેક સર્જકને પોતાનાં પ્રથમ સર્જન પ્રત્યે લગાવ રહેવાનો જ. માત્ર 51 ગઝલોની મૂડીથી આરંભાયેલી મારી સર્જનયાત્રાના સાક્ષીસમો આ ગઝલસંગ્રહ અત્યારે પણ મારા અન્ય સર્જન સાથે ખભેખભો મિલાવીને ઊભો રહ્યો છે ત્યારે પલકવારમાં મારી આંખ સામેથી એક આખો સમયકાળ પુનઃ પસાર થઈ રહ્યો હોય એવી પ્રતીતિ થાય છે. મેં ગઝલને ચાહી છે એમ સામા પક્ષે ગઝલે પણ મને એટલો જ ચાહ્યો છે એવું નમ્રપણે કહું છું. ગત વર્ષોમાં મારા અન્ય કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત થયા, પરંતુ આજે 14 વર્ષે પણ આ સંગ્રહની ગઝલો ભાવકોને સતત આકર્ષતી રહી છે એનો મને સવિશેષ આનંદ છે. હકીકતમાં તો મારી આ કાવ્યયાત્રામાં મને સતત ગઝલે સાચવી લીધો છે અથવા તો એમ કહીશ કે મને સારા-નરસા સમયમાં ગઝલે હાથ આપીને બેઠો કર્યો છે.

    આ નવીન આવૃત્તિ નિમિત્તે રન્નાદે પ્રકાશનનો, પ્રિય હંમેશભાઈનો તેમજ સર્વે સર્જકમિત્રો-વાચકો-ભાવકો-ચાહકોનો વિશેષ આભારી છું.
01, ફેબ્રુઆરી, 2017
- અશોક ચાવડા 'બેદિલ'


0 comments


Leave comment