52.4 - ગઝલની ભરચક મહેફિલમાં પોતીકો અવાજ / પગલાં તળાવમાં / ડૉ. હર્ષદેવ માધવ
ગઝલ એક બળૂકો સાહિત્યપ્રકાર છે. બીજી ભાષાઓની ગઝલોની સરખામણી કરીએ તો ગુજરાતી ભાષાની ગઝલે વિચારવૈવિધ્ય, નાવીન્ય, નવાં પ્રતીકો, નવા છાંદસુપ્રયોગો વગેરેની દૃષ્ટિએ પોતાની અનોખી મુદ્રા ધારણ કરી છે. એવી ભરચક મહેફિલમાં અશોક ચાવડા 'બેદિલ'નો પોતીકો અવાજ ઉમેરાય છે. એચ. કે. આર્ટ્સ કૉલેજમાં ઘણી કવિપ્રતિભાઓ કવિતાનો ટહુકો પામી છે. અનિલ જોશી, સૌમ્ય જોશી, રાજેશ વ્યાસ 'મિસ્કીન' વગેરેએ આજે પોતાનું સ્થાન બનાવી લીધું છે. પ્રસ્તુત કવિ તો કૉલેજકાળમાં જ સર્જક તરીકે ઊપસી આવ્યા છે તે એક ઘટના છે. તેમણે કાવ્યની રદીફ, કાફિયાથી માંડીને મકતા સુધી ગઝલને ઝીણવટથી ઘૂંટી ઘૂંટીને પ્રથમ સંગ્રહ 'પગલાં તળાવમાં' પ્રગટ કર્યો છે. ગઝલોના કાવ્યપાઠ, વાંચન વગેરે દ્વારા તેમણે 'કાવ્યજ્ઞશિક્ષયાભ્યાસ' સાધીને ગઝલને પરિપક્વ બનાવ્યા પછી પ્રસ્તુત સંગ્રહ પ્રગટ કર્યો છે.
થોડાક શે'ર આછલકતા જામનાં રસબિંદુઓ જેવા બની રહેશે-
દીવો લઈને હાથમાં શોધો નહીં મને,
વાતાવરણમાં હું વસેલો છું તમસ થઈ.
*
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા!
*
આજ હું 'બેદિલ' રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.
તેમની વક્રોક્તિઓ પણ આસ્વાદ્ય છે જેમ કે -
હું જિંદગીથી આમ તો નારાજ ક્યાં હતો?
હાથે હતું વિષ એમના માટે ગળી ગયો.
*
લઈ જવાય ભલેને તમામ ઘરવખરી,
નીકળવું કેમ ઘરની બ્હાર યાદ તારી લઈ.
શ્રી અશોક ચાવડાને તેની કારકિર્દીની શરૂઆતમાં જઆવી સુંદર સફળતા માટે અભિનંદન ઘટે છે. આ તદ્દન યુવાન કવિના આ તળાવનાં ચંચળ પાણીમાંમુકાયેલાં પગલાં વિષ્ણુના વક્ષઃ સ્થળ પર ભૃગુલાંછન જેવાં બની રહો એવી શુભ કામનાઓ.
('બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી ૨૦૦૪)
* * *
0 comments
Leave comment