52.5 - લાગણીઓનું કાવ્યઘર / પગલાં તળાવમાં / ડૉ. પ્રફુલ્લ રાવલ


    જિંદગી પાસે 'તાજી ગઝલ'ની અપેક્ષા રાખતા અશોક ચાવડા પાસે તો 'થઈ શકે તો દર્દનો અનુવાદ કરવાનો' મનસૂબો છે અને 'ઇતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે', પરંતુ એની ફરિયાદ સાંભળવા જેવી છે – 'ક્યાં સુધી વાંચ્યા કરું કાગળ અધૂરો હું?' શબ્દથી નહીં તો અર્થથી સંવાદ કરવાની ઉમેદ છે. આમેય કવિ શબ્દથી અર્થ લગી પહોંચવા મથતો હોયછે. અશોકની આ જ મથામણ છે. એ મથામણનું પહેલું પગલું તે એનો ગઝલસંગ્રહ 'પગલાંતળાવમાં'. એકાવન ગઝલોના આ સંગ્રહમાં અશોકની કવિછવિ પામી શકાય છે. અશોક પુરોગામીની ટેકણલાકડી વગર પગલાં પાડી શક્યો છે એવું નથી, પરંતુ કેવળ અનુકરણમાં મહાલ્યો નથી. કોઈની છાયામાં ઊછર્યો નથી. કશુંક નવું તાકવાની એની ગતિ રહી છે એટલે એની કવિતા ઓશિયાળીનાં મહેણાંથી બાકાત રહી છે. સ્વરૂપની સમજ સાથે અભિવ્યક્તિની તાજપ અને અવનવાં કલ્પનો આગઝલોનું જમા પાસું છે. એનો વ્યક્તિગત તરવરાટ એની કવિતામાં અછાનો રહી શકતો નથી. એ ભાવુક તો છે જ. આજે દોડતા નગરનો દોડતો નગરવાસી છે, પરંતુ હજુ એની સંવેદના બુઠ્ઠી બની ગઈ નથી એના આસાર અહીં છે જ. તો વળી એનો આક્રોશ પણ દેખાયા વગર રહેતો નથી. અતીતને એ ભૂલી શક્યો નથી. એનું તો માનવું છે કે કોઈ અતીતને ભૂલી જ ન શકે. એના જ શબ્દોમાં સાંભળીએ એની વાત :
કેવી રીતે ભૂલી શકે કોઈ અતીતને?
જે લોહીમાં વહેતો રહ્યો હો એકરસ થઈ.

    'મા' નામક રચનામાં એની માથી વિખૂટો થયાની વેદના ભારોભાર ઝિલાઈ છે -
આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હુંય શોધી મા!

    મક્તા તો આંખ ભીની કરે તેવો છે -
આજ હું 'બેદિલ' રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા!

    આ 'બેદિલ'ની સંવેદના કેવી ધારદાર છે -
તોરણ બનીને ઝૂલવાનો બારસાખ પર,
હું પાંદડાંનો જીવ છું લાચાર થડ નથી.

    સાંપ્રતથી અશોક કેવો વલોવાઈ ગયો છે તેનીપ્રતીતિ આ શે'રમાં થાય છે -
અલ્લાહ કે શિવ શિવ હજી જે જાણતા ન'તા,
સળગી ગયાં એ ભૂલકાં દંગાફસાદમાં.

    ચારે બાજુ માનવ જાનવર બની ગયો હોય ત્યારે કવિનું મન ક્ષુબ્ધ થયા વિના શેનું રહે! કવિની વેદનાની પરાકાષ્ઠા સંભળાય છે એના મક્તામાં -
ઉચ્ચાર 'બેદિલ' ઓમ કે આમીન ક્યાં બચ્યો?
પડઘાય 'તેરીજાતકા' દંગાફસાદમાં.

    'તેરી જાતકા' શબ્દના સાર્થ વિનિયોગ દ્વારા અશોકે કહેવાની વાત પૂરા જોશથી વ્યક્ત કરી છે. આ આક્રોશની વાણી છે.
     અશોક ચાવડાના કેટલાક શે'ર તેની કવિપ્રતિભાને વ્યક્ત કરે છે તે માણીએ :
સાવ ખંડેર સમ બધું લાગ્યું,
મેં કરી જ્યાં તપાસ મારામાં.
*
આજ ફરી માટીની ભીંતો ગોઠવવી છે,
આજ ફરી પડઘાયા છે વાદળના પડઘા.
*
રેતીના ઢગલા રોજ હું થાક્યો કરી કરી,
વરસોનું ખોવાયેલ શૈશવ ના જડે મને!
*
છે ઊડતા પતંગિયા જેવો જ આ સમય,
બાંધ્યા કરો ન આમ એને કાલ-આજમાં.
*
કોઈને ના દોષ દો મારા સળગવાનો,
મેં જ મારામાં સળગતી આગ મૂકી છે.
     પોતાનામાં સળગતી આગ મૂકતા કવિ 'રઝળતી લાગણીઓ ઘર સુધી' લાવી શક્યા નથી, પરંતુ એ લાગણીઓને કાવ્યઘર જરૂર મળ્યું છે. અશોકનું કાવ્યઘર લાગણી વિહોણું ન બને એ જ એનીકવિતાનું પોત બની રહેશે.
('સાધના' :ડિસેમ્બર ૨૦૦૪, 'શબ્દતીર્થ')
* * *


0 comments


Leave comment