12 - ક્યાંય તડ નથી / અશોક ચાવડા 'બેદિલ'


ધારીને મેં જોયા કર્યું છે ક્યાંય તડ નથી;
કારણ વગર આ આરસીમાં મારું ધડ નથી.

કોઈ ઉકેલી જાય તો આભાર માની લઉં,
રેખાઓ મારા હાથની સ્હેજે સુઘડ નથી.

મળવું જ હોયે જો મને ખુલ્લો થઈને મળ,
મારાય ચ્હેરા પર હવે એકેય પડ નથી.

તોરણ બનીને ઝૂલવાનો બારસાખ પર,
હું પાંદડાનો જીવ છું લાચાર થડ નથી.

'બેદિલ' મૂકીને જાત ખુદની ક્યાં જતો રહ્યો?
આખું નગર છે મૌન, એના કૈં સગડ નથી.


0 comments


Leave comment