13 - મને / અશોક ચાવડા 'બેદિલ'
મારી જ અંદર હોય ને તોપણ લડે મને;
મારો જ પડછાયો હવે કાયમ નડે મને.
હું એક તણખો આગનો મૂંઝાઉં એકલો,
કોઈ હવાને જઈ કહો આવી અડે મને.
રેતીના ઢગલા રોજ હું થાક્યો કરી કરી,
વરસોનું ખોવાયેલ શૈશવ ના જડે મને!
મારાપણાને એમ ક્યાં ભૂલી શકાય છે?
મારી રહ્યું છે કોઈ જ્યાં મારા વડે મને!
જડમૂળથી કોઈ ઉખેડી ના શક્યું મને,
'બેદિલ' ઉખેડ્યો આખરે મારી જડે મને!
0 comments
Leave comment