14 - વિશ્વ અંધ છે / અશોક ચાવડા 'બેદિલ'


ઇતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે;
પણ શું કરું? ઇતિહાસ તો પાનાંમાં બંધ છે.

કલ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રૌપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.

સાથે રહ્યા છે એટલે સોબત થઈ હશે,
કે આજ તો કાંટામહીં મોહક સુગંધ છે.

તૂટી જશે ક્યારેક તો એ વાતવાતમાં,
બહુ સાચવીને શું કરો આખર સંબંધ છે.

તું મોત માંગીને હવે 'બેદિલ' કરીશ શું?
જ્યાં જિંદગીમાં રોજ મરવાનો પ્રબંધ છે.


0 comments


Leave comment