15 - આપી શકે તો આપ / અશોક ચાવડા 'બેદિલ'


વીતી ગયેલી એક પલ આપી શકે તો આપ;
હે જિંદગી! તાજી ગઝલ આપી શકે તો આપ.

દોરાયલી આંખોય સાચુકલી જ લાગશે,
એને ફકત અશ્રુ અસલ આપી શકે તો આપ.

શોભા વધે આ લીલ બાઝેલા તળાવની,
એકાદ ખીલેલું કમલ આપી શકે તો આપ.

વાગી રહી છે આંખમાં કોરાશ ક્યારની,
તું યાદ એકાદી સજલ આપી શકે તો આપ.

આજે દિલાસો એક પણ 'બેદિલ' ન જોઈએ,
મારી ઉદાસીનો જ હલ આપી શકે તો આપ.


0 comments


Leave comment