18 - ફકીરને / અશોક ચાવડા 'બેદિલ'


વસ્ત્રોનો ભેદ હોય છે મુફલિસ-અમીરને;
બાકી તો રક્ત એક છે સૌના શરીરને.

મારી કનેય આપવા જેવું કશું ન’તું,
મેં રામનામ દઈ દીધું પાછું ફકીરને.

છે હાથમાં છતાંય મારા હાથ બ્હાર છે,
બદલી જવાનું સ્હેજ હાથોની લકીરને.

તારાં સ્મરણને એ સમય ભૂલી જવાનો હું,
ખુશબૂનો ભાર લાગશે જ્યારે સમીરને.

સારું થયું કે આંખ 'બેદિલ'ની મીંચાય છે,
રોકી શકત એ ક્યાં સુધી આંખોમાં નીરને.


0 comments


Leave comment