19 - હવા / અશોક ચાવડા 'બેદિલ'


એકે જગાએ સ્થિર થઈને ના મળી હવા;
ભટક્યા કરે છે ચોતરફ બેબાકળી હવા.

કારણ વગર કાળાશ કૈં એને નથી મળી,
તણખા સુધી પ્હોંચી જતા થોડું બળી હવા.

પાણીમહીં પાણી થઈને એ રહી શકે,
સાચે જ છે આ પાણી કરતાં પાતળી હવા.

ભૂલો પડું છું હું પછી ખુશબૂના દેશમાં,
છોડી અગર જો જાય મારી આંગળી હવા.

કોઈ અગોચર દેશમાં 'બેદિલ' મૂકી જઈ,
મારા સુધી ના આજ પણ પાછી વળી હવા.


0 comments


Leave comment