62 - અવાજોની રૂપાળી પળની વચોવચ / મનોજ ખંડેરિયા


અવાજોની રૂપાળી પળની વચોવચ
મને ઊભો રાખ્યો તેં છળની વચોવચ

હશે શબ્દનું મૃત્યુ ક્યાં; એ ખબર ના,
હતો જન્મ એનો કમળની વચોવચ

સમયના પ્રવાહીપણા પર ઊભો છું,
હું ટાપુ છું જાણે કે જળની વચોવચ

ચડ્યો કેમ ચકરાવે સંબંધ પાછો ?
વળી શું ફસાયો વમળની વચોવચ ?

નગર લાક્ષ્યના મ્હેલ જેવું જ છે આ,
હું આવી ચડ્યો કેવા સ્થળની વચોવચ !


0 comments


Leave comment