15 - લાગટ વૃષ્ટિ પછી એક સ્હવારનો સમય / નરસિંહરાવ દિવેટિયા


ગરબી

જો ! જો ! પૂર્વાકાશે ઝળક્યું તેજ શું!
ગાઢું ઘનપટ ચીરાયું અહિં ચૉગમે,
જે આજ લગી અમળ નભ ઘેરીને જ શું
અન્ધકારમય રાજ્ય ચલવી જગને દમે. ૧

પૂર્વ દિશાએ ફાટ્યું ઘનદળ, ને હવે,
મેઘતણાં ગિરિશિખર રચાઈને રહ્યાં!
ને તે પર રંગ રૂડા અનુપમ શા રમે,-
રાતા, પીળા, ભૂરા, જાય ન એ કહ્યા! ૨

પેલી ટેકરીટોચ સૂનેરી જો! બની,
પાછી ઝાંખી થાય, વળી ઝળકાય શી!
વળી પાછાં આ ઘનગિરિનાં શિખરો ભણી!
દાવાનળશી જ્વાળ પ્રગટ કંઈં થાય શી ! ૩

લીલી વનભૂમિ મન્દ મીથું હસે,
રવિકિરણે શાં જળમોતીડાં વીંધિયાં!
ને પંખીડાં હઇડે હરખીને રસે
ગાન કરતાં અહિં તહિં ઊડે રીઝિયાં. ૪

પડ્યાં દ્વાર કહિં કહિં ઘનછત્રે ઉપરે,
ત્ય્હાં ઝાંખી થાય ભૂરા ઊંડા વ્યોમની;
વૃષ્ટિવિપદસાગર વિશ્વ તરી ઊતરે,
આનન્દરવિ ઊગ્યો, કાન્તિ દીપી ભોમની. ૫

પણ મેઘવટા બીજે ક્ષણ શું આવશે !
ના ર્-હે સ્થિર મન, થાય શું કાંઇ ના કળે;
લોપી દઈ આનન્દરંગ, જે આ હસે,
ઘનમંડળ દમશે શું ફરીથી આ સ્થળે? ૬

આ જીવનના નિર્મળ વ્યોમ તળે ઘણાં
દુઃખવાદળાં ઘેરી ઝૂકે, તે સમે
સુખસૂર્ય રચે રંગ વિવિધ આશાતણા, -
નભ માંહિ, કહો, કેમ નિરંતર એ રમે? ૭

તો પણ એક દિને થાશે નભ નિર્મળું,
ને કહિં કહિં કદી ઘનછાંટા ર્-હે જુજવા,
અધિક રંગ તે રમ્ય ચીતરશે વાદળું,
ને મચશે આનન્દમધુકરો ગુંજવા! ૮
-૦-
ટીકા
કડી પ. - આનંદરવિ-આનંદ આપનાર-આનંદસ્વરૂપ-સૂર્ય.

કડી ૬. આનંદરંગ-આનંદ આપનાર-આનંદસ્વરૂપ-(સૂર્યથી થયેલા) રંગ (વાદળાં વગેરેના).

વિપત્તિનું જોર ખૂબ મચ્યા પછી આખર સંપત્તિ પ્રકાશ કરે છે, તોપણ-જેમ મેઘઘટા જતી રહી છતાં એકદમ પાછી અંધારવાનો સંભવ છે તેમ વિપત્તિ ફરી ઘેરી લેશે કે કેમ તે મનુષ્ય જાણી સકતો નથી પરંતુ અંતે તો-પરમ અંતે તો-સુખ જ છે, અને વિપત્તિનાં કાંઈ કાંઈં ચિન્હ રહેશે તે પણ સુખથી રંગાઈ ઉલટાં રમ્યતા પ્રગટ "કરશે; ને મચશે આનંદ મધુકરો ગુંજવા."-આ તાત્પર્ય આ કાવ્યનું છે.

આનંદમધુકરો=આનંદ એ જ મધુકર (ભ્રમર); મધુકરો એ બહુવચન છે.
-૦-


0 comments


Leave comment