43 - આ સફર ડૂકી શ્વાસ લેવામાં / મનોજ ખંડેરિયા


આ સફર ડૂકી શ્વાસ લેવામાં
માટીનો મત્ત વાસ લેવામાં

રણ ગળામાં સ્વીકાર્યું ધખધખતું
માત્ર મનગમતી પ્યાસ લેવામાં

કેટલી કાંકરી ગુમાવી કૈં,
આ રમતમાં ઉકાસ લેવામાં

ફૂલ સાક્ષી છે કે થયું શું શું !
એક ચપટી સુવાસ લેવામાં

હાથ સળગ્યો એ વાત મોટી છે,
વાત ઝાઝી ન રાસ લેવામાં


0 comments


Leave comment