16 - પ્રકરણ – ૧૬ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    ‘લેટ ધેમ ગો તું હેલ’ – એ શબ્દો નીરાના મુખે સાંભળીને મનમાં કેવીક લાગણી જાગતી હતી ? નીલકંઠને પ્રશ્ન થયો. રોષ કે દયા ? તિરસ્કાર કે સહાનુભૂતિ ? વિરોધની કે સમર્થનની ?... કશું સમજી ન શકાયું. જેમને ઉદ્દેશીને નીર એ શબ્દો બોલી હતી એ પોતાનાં કુંટુબીજનોની આકૃતિઓને મનોમન ઊપસાવી જોવાનો નીલકંઠે પ્રયત્ન કર્યો. કેવાં હતાં એ માનવીઓ ? જડ મૂર્તિઓ અને પથ્થરો, થોડાક નિ:શેષ નિર્જીવ, અર્થ સમજાય વિનાના મંત્રો અને ઉપહાસ કરતા યજમાનોની વચ્ચે આયખું વિતાવી દેનાર પિતા, કુટુંબસમસ્તની અને મંદિરની પાર વિનાની પળોજણ કરતાં ગૌરીબા, પરણ્યા પછી પાગલ બની ગયેલા પતિ સાથે વ્યર્થ જન્મારો વિતાવનાર જુનવાણી, શંકાશીલ જયાભાભી, ઢોરની ગમાણમાંથી હાડ ધ્રુજાવતી ચીસો પાડતા મોટાભાઈ ચંદ્રશંકર, મુંબઈમાં રહી પશુની જેમ કારકુની કરી અકાળે વૃદ્ધ થઇ ગયેલા મહેશભાઈ અને એમના ગાડુંએક બાળબચ્ચાં; ક્યાં-ક્યાં હતી મનને પ્રસન્ન કરી શકે એવી એકે ય આકૃતિ ? બધું સાવ પછાત, સાવ વ્યતીત હતું; ક્યાંય તાજી હવાની લહેરખી નહોતી. પડછાયાઓના સમૂહ જેવા આવા એક પરિવાર સાથે નીરા શી રીતે લાગણીનો તંતુ બાંધી શકશે ? થોડા દિવસ માટે ય ? એ લોકો આજના વિશ્વના વિશાળ અનુસંધાનોથી કપાઈ છૂંદાઈને ગઈ કાલની યે ગઈ કાલના ‘હેલ’માં વસતાં-સબડતાં નહોતાં ?

    પ્રશ્નો ઊઠતા રહ્યા અને નીલકંઠનું મન વીંધાતું રહ્યું. કંટાળીને તેણે નીરાને કહ્યું : ‘નીરા, તું કપડાં બદલી લે, આપણે ગામમાં આંટો મારી આવીએ. તને એકબે સરસ સ્થળો બતાવું.’ નીરાએ વગરબોલ્યે સંમતિ દર્શાવી.

    થોડી વારે બંને ઘરની બહાર નીકળ્યાં. નમતા પહોરના સૂર્યનાં કિરણો શેરીની ધૂળને ચમકાવતાં હતાં. લોકોની કુતૂહલ, ચીડ કે લાગણીથી સભર નજરોને વટાવીને તેઓ ગામને પાદરે આવેલી એક જૂની વાવ પાસે આવી પહોંચ્યાં ત્યારે વાતાવરણમાં અંધકાર આછો આછો મહેકવા લાગ્યો હતો. થોડેક દૂરથી જ વાવ જોતાં નીલકંઠથી થંભી જવાયું. તેણે નીરાનો હાથ પકડી લીધો અને કંઈક ભાવવિભોર સ્વરે કહ્યું : ‘આ પુરાતન વાવ સાથે મારા બાળપણનાં ઘણાં સ્મરણો સંકળાયેલાં છે, નીરા !’

    ‘હં...’ નીરાએ માત્ર એક ઉદગાર કાઢ્યો.
    જોરથી શ્વાસ લઇ હવામાં બે’ક દાયકા પહેલાં માણેલાં પરિચિત આન્દોલનોની ઓળખાણ તાજી કરવા મથતાં નીલકંઠે કહ્યું : ‘સાવ નાનો હતો ત્યારે તો આ વાવ વિશે મારા મનમાં ભયની લાગણી હતી. અહીં અધરાતમધરાત જોગણીઓ રાસડા રમે છે ને વૈતાલનો દરબાર ભરાય છે, એમાં કોક બત્રીસલક્ષણાનો ભોગ આપવામાં આવે છે, એવી ઘણી વાતો ગામમાં પ્રચલિત હતી અને એ સાંભળતાં અમને ભય લાગતો ને સાથે અમારો વિસ્મયર્સ પોષાતો. પણ ઉંમર વધતાં અમે અહીં રમવા આવતા. બાર કોઠાની આ વાવના મોટા ગોખલાઓમાં સંતાકૂકડી રમતા. નવરાત્રિમાં અહીં નવ દિવસ ગરબા ગવાતા. ગોકળઆઠમનો મેળો ય અહીંથી પાસે ભરાતો. અહીં એક માતાનું સ્થાનક છે. અમારા કુટુંબમાં છોકરીઓની બાબરી અહીં ઉતારવાનો રિવાજ. અહીં એક આંબલીનું ઝાડ હતું. દિવસે અમે એના પર ચડીને કાતરા ખાતા, પણ રાત્રે કોઈ આ તરફ ફરકતું નહિ : ભૂતપ્રેતનો ભય રહેતો... આજે આ બધું હાસ્યાસ્પદ લાગે છે. પણ એનું એક નોસ્ટેલ્જિક વહેણ...’ નીલકંઠ બોલ્યે ગયો. પછી નીરાનો હાથ પકડીને તેને દોરતાં ઉમેર્યું : ‘ચાલ નીરા, આપણે વાવ પાસે જઈએ.’ નીરાએ હાથ છોડાવી લઈને તેની સાથે ચાલવા માંડ્યું. નીલકંઠે કહ્યું, ‘ઘણે વર્ષે આ વાવનાં પગથિયાં પર હું આજે પગ મૂકીશ.’ અને એની ચાલ વેગીલી બની.

    જરાક વારમાં જ તેઓ વાવ પાસે આવી ગયાં. નીલકંઠે આંખ ઝીણી કરી જોવા માંડ્યું અને તેમ તેમ તેના મનની ભીતરમાં કશુંક ધીમે ધીમે વીખરાઈ રહ્યું હોય એમ એને લાગ્યું. ક્યાં ગયું પેલું આંબલીનું ઝાડ ? દેખાતું જ નહોતું. કોઈકે કાપી નાખ્યું હશે ? કે પછી ભારે વરસાદમાં તે તૂટી પડ્યું હશે ? નીલકંઠને કંપારી આવી... બાર કોઠાની વાવનો ધોરો ઠેકઠેકાણે તૂટી ગયો હતો. એની આસપાસ હાજતે બેસી ગયેલાં બાળકોએ ફેલાવેલી ગંદકી... નીલકંઠ પહેલા પગથિયાં પર આવી ઊભો. વાવની બંને તરફની દીવાલો ઉપર કોઈકે છાણાં થાપ્યાં હતાં. દીવાલનો મૂળ રંગ તો જોઈ શકાતો જ ન હતો. નીલકંઠ એક પગથિયું ઊતર્યો. હવે દીવાલ સ્પષ્ટ હતી, પણ કેવી ? વર્ષોથી ત્યાં ચૂનાનો હાથ ફર્યો લાગતો ન હતો. ઠેકઠેકાણે લૂણો બાઝ્યો હતો અને પોપડા ઊખડી ગયા હતાં. દીવાલ પર તોફાની બાળકોએ બિભત્સ ગાળો ગરબડિયા અક્ષરોમાં લખી હતી. નીલકંઠે પાછળ ફરીને જોયું. નીરા હજી પગથિયાંની બહાર જ ઊભી હતી. ‘ચાલ નીરા ! કહી તેણે હાથ લંબાવ્યો. નીરા ખંચકાતી બે પગથિયાં ઊતરીને તેની પાસે આવી. તેણે તેનો હાથ પકડી લીધો. બંનેએ એક વધુ પગથિયું વટાવ્યું. નીલકંઠનો પગ છાણના પોદળામાં પડ્યો. મનમાં અણગમો ઊપસી આવ્યો. પગથિયાં સાથે તેણે બૂટ ઘસી લીધો. પગથિયાં ઠેકઠેકાણેથી તૂટી ગયાં હતાં. બંને નીચે ઊતર્યા; નીલકંઠે પાછળ વળીને જોયું. બહારનું આકાશ હવે લગભગ જોઈ શકાતું ન હતું અને બહારની સૃષ્ટિમાં ઉજાસ ઘટી રહ્યો હતો અને અહીં વાવની અંદરનો અંધકાર ઘેરાતો જતો હતો. એક ખંડિત પગથિયું વટાવતાં નીલકંઠ ચૂકી ગયો, નીરાના હાથની પકડે તેની સમતુલા જાળવી લીધી. ‘હવે આગળ જવું નથી.’ નીરાનો ગભરાયેલો સ્વર આવ્યો. વાવની જર્જર દીવાલોએ તેના પડઘા પાડ્યા. નીલકંઠે ખોટું હસવાનો પ્રયત્ન કરી મોટેથી કહ્યું : ‘અરે, આમ ગભરાય છે શું ? પાણી સુધી જઈએ, ખૂબ મજા આવશે.’ ફરીથી પ્રતિધ્વનિઓનાં મોજાં. એક ચામાચીડિયું નીરાના માથા પાસેથી પસાર થઈ ગયું. નીરા આછી ચીસ પાડી ઊઠી. નીલકંઠ ફરીથી ખોખરું હસ્યો. તેણે હાથ વીંઝ્યા. તેના હાથમાં કરોળિયાના જાળાનો ચમકાવી મૂકતો સ્પર્શ વહી આવ્યો. તેણે હાથ ખેંચી લીધો. બે-ચાર ચકલીઓનો ચીંચીકાર, પાંખોનો ફફડાટ અને પછી શાંતિ. હવામાં કશીક કડવી વાસ વર્તાતી હતી. શ્વાસ કેમ જોરથી લેવા પડતા હતા ? અકળાઈને નીલકંઠે નીરા તરફ જોયું. ચોપાસની જર્જર વિજનતામાં નીરાની આકૃતિ કેમ સાવ અસંગત લાગી હતી ? તેણે એક ખોંખારો ખાઈને કહ્યું : ‘અમે અહીં નીચલા પગથિયાં પર બેસી વાવનાં પાણીમાં પથ્થર નાખવાની રમત રમતા, હોં નીરા ! પાણીમાં વિસ્તરતાં કૂંડાળા જોવાની ત્યારે તો એવી મજા આવતી.’ આ શબ્દો બોલી ગયા પછી નીલકંઠને જ કશાક ખાલીપણાનો અનુભવ થઇ આવ્યો. તેણે વાવમાં જ્યાં પાણી રહેતું તે તરફ જોયું. ઘટતા ઉજાસ વચ્ચે કશું દેખાયું નહિ. તેણે નીચા વળી એક રોડું ઉપાડી પાણીની દિશામાં નાખ્યું અને વળતી ક્ષણે જળમાં પથ્થર પડતાં જ થતો ‘ડૂબક’ જેવો વિશિષ્ટ ધ્વનિ સાંભળવા માટે તેનું શ્રવણતંત્ર સજાગ થઈ ગયું હતું, પણ પેલું રોડું સુક્કી જમીન સાથે પડછાયાનો કર્કશ અવાજ આવ્યો. છતાં નીલકંઠને સંતોષ ન થયો. તેણે એક મોટું રોડું શોધી કાઢી તે ફેંક્યું. ફરીથી એ જ કર્કશ અવાજ. અને નીલકંઠે હાથ પર બાઝેલી ધૂળ ખંખેરતાં નિ:શ્વાસ નાખીને સ્વગતની જેમ કહ્યું : ‘વાવમાનું પાણી સુકાઈ ગયું લાગે છે.’ ફરી પાછા પડઘા-બહાર કે ભીતરમાં પણ :

    ‘જો તારો નોસ્ટેલ્જિક કેફ હવે કંઈક ઊતર્યો હોય તો –‘ નીરા બોલી, તરત નીલકંઠે કહ્યું : ‘હા, હવે આપણે પાછા જ જઈએ.’ અને રિક્ત વાવની ચારે બાજુએ તેણે એક ઝડપી નજર નાખી લીધી – સુકાઈ ગયેલો જળપ્રવાહ, નાળિયેરનાં ખાલી કાચલાં, તૂટી ગયેલાં માટીનાં કોડિયાં, કંકુના ઓઘરાળા, કરોળિયાનાં ઘટ્ટ જાળાં, કીડીઓનાં દર, ખરી પડેલી દીવાલોના પોપડા, ખંડિત પગથિયાં, માળામાં પાંખો ફફડાવતી ચકલીઓ, છાણનાં પોદળા, હવામાં ઘોળાતી દુર્ગંધ, માથા પરથી પસાર થઇ જતાં ચામાચીડિયા, શબ્દોનાં ચાળા પાડતાં પ્રતિધ્વનિઓ, દીવાલો પર છાણાં થાપી પેટિયું રળતી કોક ખેડૂત સ્ત્રીના અડવા હાથની જાડી કળા, પાણીને અભાવે કૂંડાળાને બદલે કર્કશ ધ્વનિ સર્જતો પથ્થરનો પડછાટ, આંબલી કપાઈ ગઈ હતી ... !


    પગથિયાં ચડીને નીલકંઠ ઉપર આવ્યો ત્યારે તે ખૂબ થાકી ગયો હતો અને સૂરજ આઠમી ગયો હતો. પાછળ ફરીને બાર કોઠાની વાવ તરફ નજર નાખતાં જ તેને વિચાર આવ્યો :
- આ મારો ભૂતકાળ......
(ક્રમશ:....)


0 comments


Leave comment