1 - એક કપ કૉફી અને તાજી હવા દે / દિનેશ કાનાણી


એક કપ કૉફી અને તાજી હવા દે
કાં મને રાજીખુશીથી તું જવા દે !

જો તને ગમતું નથી તો શું કરું હું;
સૂર્યના કિરણ મને તો વાંચવા દે !

આપણે બેઠાં રહીએ વૃક્ષ નીચે,
ચાલ આજે પંખીઓને બોલવા દે !

પાન લીલા તોડવાનો શોખ રાખે,
કોણ એને આંગણામાં આવવા દે ? !

શું લખ્યું છે પાંદડાની કોર પર તેં,
બે જ અક્ષર હું કહું છું વાંચવા દે !

રોજ તારી વાત હું તો સાંભળું છું,
તું મને ક્યારેક તો કૈં બોલવા દે !

હું તને તારા જ ત્યાં દર્શન કરાવું,
આ હૃદયને એટલું તો ખોલવા દે !


0 comments


Leave comment