2 - એક માણસ હારવાનો વારતાના અંતમાં / દિનેશ કાનાણી


એક માણસ હારવાનો વારતાના અંતમાં
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો
હું પુરાવો માગવાનો વારતાના અંતમાં

પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં

હું તમારી જીતનો હિમાયતી છું એટલે
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં

કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણવા
રાત આખી જાગવાનો વારતાના અંતમાં

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે
હું તમારો લાગવાનો વારતાના અંતમાં


0 comments


Leave comment