9 - અજવાળે અંધારે માણસ રમતા કાતર કાતર / દિનેશ કાનાણી


અજવાળે અંધારે માણસ રમતા કાતર કાતર
આ કોના ઈશારે માણસ રમતા કાતર કાતર

આંસુઓના ધક્કે – ધક્કે આગળ જઈને બેસે
જીવ મૂકી મઝધારે માણસ રમતા કાતર કાતર

મુઠ્ઠીમાં અંધારુ લઈને સૂરજ સામે ફેંકે
શ્વાસોના પડકારે માણસ રમતા કાતર કાતર

ધારી ધારી દરિયો જોતા મોજાં સામે હસતા
કોઈ દિવસ ના હારે માણસ રમતા કાતર કાતર

ગમતું પંખી પાડોશીની ડાળે બેસી ટહુકે
જીવન લાગે ભારે માણસ રમતા કાતર કાતર

હળવા હૈયે ઇચ્છાઓના ભારા લઈને ફરતા
સાચું કદી ના ધારે માણસ રમતા કાતર કાતર

ના કૈં જાણે ના કૈં માણે એક જ કામ કરે છે
આજે ને અત્યારે માણસ રમતા કાતર કાતર


0 comments


Leave comment