55 - શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા / મનોજ ખંડેરિયા


શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા

આ હાંફ – તરફડાટ – તૃષા –થાક – ને તડપ –
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઊપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથને સાંકળની મિત્રતા

આદીલ – અનિલ – રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા


0 comments


Leave comment