15 - બેઉ હાથે દાન કરતા આવડે છે / દિનેશ કાનાણી


બેઉ હાથે દાન કરતા આવડે છે
ને વ્યથાઓ મ્યાન કરતા આવડે છે

સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું
એટલી ઉડાન કરતા આવડે છે

હું નદીની જેમ વ્હેતો રાત-દિવસ
એ જ રીતે ધ્યાન કરતા આવડે છે

એટલે તો પાંદડા ગણતો નથી હું
વૃક્ષનું સન્માન કરતા આવડે છે

એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે,
જીવ જાજરમાન કરતા આવડે છે


0 comments


Leave comment