31 - ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે / મનોજ ખંડેરિયા


ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
નજર ચુકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે

અમે રચતાં ગયાં ને ધ્યાન-બારાં રહી ગયાં અંદર
હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે

જરા પાછું વળી જોયું કે ખોવાનું છે પામેલું !
અહીં શબ્દોના શાપિત પંથે પળવું ખૂબ અઘરું છે.


0 comments


Leave comment