2 - ભાગ – ૨ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


    પંદર દિવસના આરામકાળ દરમિયાન મને એક-બે વાર છાતીમાં દુખ્યું. મારી અર્ધી સદીની ઉંમરમાં પ્રભુ પહેલી વાર મારી ફેવરમાં છે એમ મને લાગ્યું. પંદર દિવસની દવા પૂરી થતાં હું ડૉક્ટરને મળ્યો. ડૉક્ટરે ફરી મારો કાર્ડિયોગ્રામ લીધો. એમને કહ્યું, “કાર્ડિયોગ્રામમાં તો કશી તકલીફ દેખાતી નથી.”
    “તો મને દુખાવો કેમ થાય છે ?”
    “એ જ તો પ્રશ્ન છે.” ડૉક્ટર થોડા મૂંઝાયા હોય એમ લાગ્યું. “એમ કરો. આ નવી ટીકડી લખી દઉં છું તે છાતીમાં દુઃખે ત્યારે જીભ નીચે મૂકવાની. હમણાં એમ કરો – અઠવાડિયું ઓફિસે જાઓ ને અઠવાડિયું આરામ કરો. ક્યારે ક્યારે કેવી કેવી પરિસ્થિતિમાં દુઃખે છે એની નોંધ કરો ને પંદર દિવસ પછી ફરી મળો.”

    ડૉક્ટરે સામેથી આરામ કરવા કહ્યું એટલે મને જરા સારું લાગ્યું. આમ છતાં, આરામ કરવાનું કહેવામાં ડૉક્ટર શા માટે આટલી બધી કંજૂસાઈ કરે છે એ મને સમજાયું નહિ.
* * *
    કૃષ્ણપક્ષ (ઓફિસે જવાના દિવસો) અને શુક્લપક્ષ (ઓફિસે નહિ જવાના – આરામના દિવસો) ના દિવસો દરમિયાન કૃષ્ણપક્ષના એક દિવસે એક મિત્ર ઓફિસે આવ્યા.
    “હમણાં ક્યાં ગયો હતો ?” એમણે પૂછ્યું.
    “યુરિનલમાં ગયો હતો.”
    “હેં ?” મારા પ્રત્યુત્તરથી મિત્રવર્ય થોડા ગૂંચવાયા. “હમણાં એટલે પાંચદસ મિનિટ પહેલાંની વાત નથી કરતો. ગયા અઠવાડિયે ક્યાં હતો એમ પૂછું છું. મેં બે-ત્રણ વાર ફોન કર્યો હતો.”

    “માંદગીની રજા પર હતો.” માંદગીની રજા” એ શબ્દો હું ખાસ ભાવથી અને ભારથી બોલ્યો પણ મિત્રના હૃદય સુધી મારો ભાવ પહોંચ્યો નહિ. એણે પૂછ્યું, “કોનાં લગ્ન માટે સીક લીવ લેવી પડી હતી ?”
    “ખરેખર માંદો હતો – માંદો છું.”
    “શું થયું છે ?”
    “હૃદયને લોહી બરાબર પહોંચતું નથી એમ ડૉક્ટર કહે છે.”
    "તારા મગજને લોહી બરાબર પહોંચતું નથી એ તો અમે સૌ જાણીએ છીએ. જેમાં મગજ ચલાવવું પડે એવા દરેક કામમાં તને પહેલેથી મુશ્કેલી પડે છે એની મને ખબર છે. પણ હૃદયને લોહી બરાબર પહોંચતું નથી એ સાંભળી મને નવાઈ લાગે છે.”

    જિંદગીમાં પહેલી વાર હું માંદો પડ્યો તોય કોઈને મારા તરફ સહાનુભૂતિ થતી નથી એ જાણી મને લાગ્યું કે જગત ઘણું અનુદાર છે. જગતની સહાનુભૂતિ મેળવવા માટે માંદા પડવાનું નહિ, માંદા લાગવાનું અનિવાર્ય છે. મેં પ્રભુને પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! તમે માંદગી આપી જ છે તો હાફ હાર્ટેડલી શા માટે આપી ? જગત ઊંચું-નીચું થઈ જાય એવી માંદગી આપો ! પ્રભુ ! તમે તો સર્વસમર્થ છો !’
* * *
    પ્રભુએ મારી પ્રાર્થના ખરેખર સાંભળી. પંદર દિવસમાં બે વર છાતીમાં દુખવા આવ્યું – આરામના સમયમાં પણ દુખ્યું અને ઓફિસે જવાના દિવસો દરમિયાન પણ દુખ્યું. હું ડૉક્ટરને મળ્યો. મારો રિપોર્ટ સાંભળી ડૉક્ટર આ વખતે ખરેખર ગંભરી બની ગયા. શહેરના એક નામાંકિત ડૉક્ટરને મૂંઝાતા જોઈ હું થોડો રાજી થયો.
    “તમે પરિશ્રમ કરો છો ત્યારે જ દુઃખે છે કે આરામ કરતા હો ત્યારે પણ દુઃખે છે ?”
    “પરિશ્રમ તો હું ખાસ કરતો જ નથી.”
    “આ સારું ચિહ્ન ન ગણાય.”
    “પરિશ્રમ નથી કરતો એ ?”
    “ના, આરામ કરતા હો ત્યારેય દુઃખે એ ગંભીર બાબત ગણાય.”

    આખરે કશુંક ‘ગંભીર’ આવ્યું ખરું એ ખ્યાલે હું થોડો હળવો થયો. ડૉક્ટરે કહ્યું, “આપણે આ માટે કેટલાક ટેસ્ટ કરાવી લઈએ.” ડૉક્ટરે ‘આપણે’ કહ્યું એટલે વળી હું થોડો મૂંઝાયો. મને છાતીમાં દુઃખે છે એ માટે ડૉક્ટરે પણ શા માટે ટેસ્ટ કરાવવા જોઈએ એ મારી સમજમાં આવ્યું નહિ. પણ હું કશું બોલ્યો નહિ. મને મૂંઝાયેલો જોઈ ડૉક્ટરે કહ્યું, “ચિંતાનું કશું કારણ નથી. આપણે કેટલાક જરૂરી ટેસ્ટ કરાવી લઈએ. એક ‘એકો કાર્ડિયોગ્રાફી’ નામનો ટેસ્ટ છે. આનાથી તમારું હૃદય કેવું છે એનો ખ્યાલ આવી શકશે.” મારું હ્રદય નિતાંત ચોખ્ખું છે એવાં અનેક પ્રમાણપત્રો હું લાવી શકું તેમ હતો. ડૉક્ટર પોતે પણ હવે મને એક સજ્જન તરીકે પિછાણતા થયા હતા. છતાં મારું હૃદય કેવું છે એ યંત્રની સહાયથી તેઓ શા માટે જાણવા માગતા હશે એ મને સમજાયું નહિ. ડૉક્ટરે આગળ કહ્યું, “એક બીજો ટેસ્ટ ‘સ્ટ્રેસ ટેસ્ટ’ કહેવાય છે. તમારું હૃદય કેટલો પરિશ્રમ ખામી શકે એમ છે એનો આ ટેસ્ટથી ખ્યાલ આવી શકશે.” મારું હૃદય તો પરિશ્રમનો વિચાર પણ ખામી શકે એમ નથી એ હું કોઈ પણ જાતના મશીનની મદદ વગર કેવળ આંતરપ્રતીતિથી કહી શકું એમ હતો. છતાં ડૉક્ટરના કામમાં દખલગીરી ન કરવાના શુભાશયથી હું કંઈ બોલ્યો નહિ.
* * *
    મારા પર જીવનભર પ્રેમ રાખનાર એક સ્વર્ગસ્થ સ્વજનના પુત્ર કાર્ડિયોલોજિસ્ટ છે. મને છાતીમાં દુખવા આવ્યું તે સમયગાળામાં એ બહારગામ ગયા હતા. એ આવી ગયાના સમાચાર મળતાં હું એમને મળ્યો, ને મારું હૃદય એમને સમર્પિત કરવાની ઈચ્છા પ્રગટ કરી. એમણે હૃદયપૂર્વક મારો કેસ હાથમાં લીધો અને ટેસ્ટની તારીખો નક્કી કરી.

    મારો ‘એકો કાર્ડિયોગ્રામ’ એકંદરે નોર્મલ આવ્યો. હૃદયના કેટલાક ભાગ પર સાધારણ અસર થયાનું જણાયું, પણ ‘એકો કાર્ડિયોગ્રામ’ના ચાર્જ રૂપે સાડા ચાર સો રૂપિયા આપવાના થયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે હૃદયના કેટલાક જ ભાગ પર સાધારણ અસર થઈ છે, પણ ખિસ્સાના બધા જ ભાગ પર ગંભીર અસર પહોંચવા માંડી છે. (આ પુસ્તકમાં અત્રતત્રસર્વત્ર આપેલા મેડિકલ ચાર્જ ૧૯૮૯-૧૯૯૦ના છે એનો સહૃદય વાચકે સતત ખ્યાલ રાખવો.) ખિસ્સું હૃદયની બરાબર ઉપર શા માટે રાખવામાં આવે છે એ હવે મને સમજાયું. હૃદયરોગની સારવાર દરમિયાન મેં એક મહાન સત્ય શોધી કાઢ્યું છે : ‘હૃદય ભારે થાય છે ત્યારે ખિસ્સું હળવું થાય છે. નબળા હૃદયની રક્ષા ફક્ત મજબૂત-અતિ મજબૂત ખિસ્સું જ કરી શકે છે !’

    થોડા દિવસ પછી સ્ટ્રેસ ટેસ્ટ લેવાનું નક્કી થયું. આ સમયગાળામાં આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી. હવે હું આરામની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યો છું એની મામને ખાતરી થઈ.

    મારે સ્ટ્રેસ ટેસ્ટ કરાવવાનો છે એની જાણ થતાં અમદાવાદના રહીશ એવા મારા એક મિત્રે કહ્યું, ‘તમે ઈચ્છો તો કશા પણ ખર્ચ વગર સ્ટ્રેસ ટેસ્ટ થઈ શકે.”
    “એ કઈ રીતે ?” હું પણ છેલ્લાં પંદર વર્ષથી અમદાવાદમાં રહેતો હતો એટલે મફતમાં સ્ટ્રેસ ટેસ્ટ થઈ શકે એ વાતમાં મને રસ પડ્યો.

    “સાત માળના ધાબા પર ઝડપથી ચડી જવાનું ને ત્યાં પહોંચીને ‘હે રામ !’ એમ કહેવાનું – જો તમે મોટેથી ‘હે રામ !’ બોલી શકો તો ટેસ્ટમાં પાસ – પછી કશી ચિંતા નહીં.”
    “પણ ‘હે રામ !’ એ શબ્દો જ કેમ બોલવાના ?”
    “સાતમે માળે પહોંચ્યા પછી તમે જે કંઈ બોલો તે તમારા આખરી શબ્દો બની રહે એમ પણ બને. ગાંધીજીના છેલ્લા શબ્દો ‘હે રામ !’ હતા એટલે તમારા જીવનચરિત્રમાં લખી શકાય કે ગાંધીજીની જેમ તમે પણ છેલ્લે ‘હે રામ !’ બોલ્યા હતા.”

    મિત્રની સલાહ આકર્ષક અવશ્ય હતી, પણ એમા રહેલાં જોખમને ધ્યાનમાં રાખી એન ગાંધીજી સાથે મારી તુલના કરાવવાનો લોભ જતો કર્યો.
* * *
    સ્ટ્રેસ ટેસ્ટનો દિવસ આવી પહોંચ્યો. સવારે ડૉક્ટરનો ફોન આવ્યો : “છાતીથી પેટ સુધીના વાળ ઉતરાવીને આવજો. હાથે ફાવે તો તેમ, નહિતર તમારા વાળંદને બોલાવજો.”
    - મને લાગ્યું કે આ રોગમાં જાણે બધું ઉતારવાનું જ છે. મારું વજન ઊતરતું જતું હતું. મૂળથી જ નીચલી સપાટીએ રહ્યા કરતુ મારું બેન્ક બેલેન્સ ઝડપથી નીચે ઊતરતું જતું હતું. બેન્ક સાથેનો મારો સંબંધ પૂરો થઈ જવાના દિવસો બહુ દૂર નહોતા – જોકે બેન્ક સાથેનો મારો સંબંધ પૂરો ન થવા દેવાની મારી ભાવના અવિચળ હતી – લોન લેવાનો શુભવિચાર મારા હૃદયમાં પ્રગતિ ચૂક્યો હતો. એટલે હું બેન્કનો લેણદાર મટી દેણદાર બનું એવી શક્યતા ક્ષિતિજ પર ડોકાઈ રહી હતી.

    મારામાં સાહસની – સાચું પૂછો તો દુ:સાહસની વૃત્તિ ઘણી પ્રબળ છે. એટલે કેશલુંચનનું કાર્ય હાથે કરવાનો વિચાર મને આવ્યો. પણ હૃદયની આવી નાજુક સ્થિતિમાં મારી દુ:સાહસવૃત્તિ અંકુશમાં રાખવામાં ડહાપણ છે એવો સદબુદ્ધિયુક્ત વિચાર પણ મને આવ્યો. એટલે મેં સ્વપ્રયત્ને કેશલુંચન કરવાનું માંડી વાળ્યું. જોકે આ કારણે મેઘાણીના એક કાવ્યમાં સ્વાતંત્ર્યવીરો ‘અમારે રોમરોમેથી વહ્યા’તા રક્તરેલા’ એવી ગૌરવવાણી ઉચ્ચારે છે તે ઉચ્ચારવાનું મારા નસીબમાંથી જશે એ ખ્યાલે મને થોડું દુઃખ થયું. પણ આવી ગૌરવવાણી ઉચ્ચારવાનું બધાના નસીબમાં ક્યાં હોય છે ?

    મારા પ્રિય વાળંદમિત્રનું મેં ટેલિફોનિક સ્મરણ કર્યું. પ્રાચીન કાળના ભક્તો સ્મરણ કરતા ને પ્રભુ તત્કાળ ગરુડ પર આરૂઢ થઈ આવી પહોંચતા તેમ વાળંદમિત્ર તરત સ્કૂટર પર આવી પહોંચ્યા. હું ચડ્ડીભેર એમની સન્મુખ ઊભો રહ્યો. મારા હૃદયનું ઓપરેશન કરી રહ્યા હોય એટલી ગંભીરતાથી વાળંદમિત્રે કેશલુંચનનું કાર્ય કર્યું. ડૉક્ટરને વિઝિટે બોલાવવાનું ક્યારેક બનતું, પણ વાળંદને વિઝિટે બોલાવવાનું આ પૂર્વે કડી બન્યું નહોતું. એટલે એમના કામનું કેટલું મહેનતાણું થાય એની મને સમજ પડી નહિ. મેં એમને જ આ અંગે ઘટતું માર્ગદર્શન આપવાની વિનંતી કરી. મારા રોગનો મોભો ધ્યાનમાં લઈને તેમજ એકો કાર્ડિયોગ્રામ અને સ્ટ્રેસ ટેસ્ટના ચાર્જ જાણીને વાણંદ મિત્રને પણ ઓછા પૈસામાં મારા વક્ષ:સ્થળને કેશવિહીન કરવાનું વાજબી ન લાગ્યું. એમણે વીસ રૂપિયા માગ્યા. સારું થયું કે આટલા નાના કામના વીસ રૂપિયા એમણે કામ પૂરું થયા પછી કહ્યા. કામ ચાલુ હતું ત્યારે કહ્યા હોત તો હું અવશ્ય ધ્રૂજી ગયો હોત ને પેલી ગૌરવવાણી – ‘અમારા રોમરોમેથી વહ્યા’તા રક્તરેલા’ ઉચ્ચારવાની તક મને અવશ્ય મળી હોત.

    સ્ટ્રેસ ટેસ્ટ માટે હું ડૉક્ટર સમક્ષ હાજર થયો. ઉપરનાં વસ્ત્રોનું મારા પોતાના હાથે હરણ કરાવ્યા પછી ડૉક્ટરે મારા શરીરે કાર્ડિયોગ્રામના યંત્રની નળીઓ બાંધી. કોઈ વીર ક્ષત્રિયના બાહુ પર બાજુબંધ શોભી ઊઠે એમ મારા હાથ પર બ્લડપ્રેશર માપવાનું યંત્ર શોભવા માંડ્યું. કોઈ મોટા દ્વંદ્વયુદ્ધ માટે મને તૈયાર કરવામાં આવ્યો હોય એવું અપૂર્વ દૃશ્ય હતું. જોકે મારું શરીરદૌર્બલ્ય જોતાં ખરેખર તો દ્વંદ્વયુદ્ધની પેરોડી કરવાની હોય એવો સીન હતો એમ કહેવું વધુ યોગ્ય હતું.

    ટ્રેડમિલ મશીનના પટ્ટા પર મને ખડો કરી દેવામાં આવ્યો. મશીન ચાલુ થાય ત્યારે પગ નીચેથી પટ્ટો ખસતો જાય ને સમતુલા જાળવવા રસી પર ચાલતો હોઉં એમ મારે ચાલવાનું એવી યોજના હતી. વચ્ચે કંઈ દુર્ઘટના ન બને તો જુદી જુદી છ પ્રકારની સ્પીડથી મને ચલાવવાની ડૉક્ટરમિત્રની અભિલાષા હતી. ડૉક્ટરમિત્રે કહ્યું, “સહેજ ગભરામણ થાય તો તરત જ કહી દેજો; હું મશીન બંધ કરી દઈશ.” ગભરામણ તો મને આ ભવ્ય અને ભયંકર મશીન જોઇને અત્યારે જ થતી હતી પણ ડૉક્ટરમિત્રને હતોત્સાહ કરવાનું મને વાજબી ન લાગ્યું.

    મશીન શરૂ થયું. મેં પગલાં ભરવા માંડ્યાં. હું ચાલતો હતો છતાં ચાલતો નહોતો એવી આધ્યાત્મિક સ્થિતિ હતી. ‘ચરણ ચાલતા હતા, મંજિલ આવતી નહોતી.’ એવી એક ગઝલ-પંક્તિ મેં વાંચેલી. કોની ગઝલની આ પંક્તિ છે એ યાદ નહોતું, પણ એ ગઝલના શાયરે સ્ટ્રેસ ટેસ્ટ કરાવ્યા પછી આ પંક્તિ લખી હશે એમ મને લાગ્યું. મેં સાભળેલું કે આ ભવ્ય મશીન, પટ્ટો, શરીરે બાંધેલી નળીઓ – આ બધાંથી ગભરાઈને એક દર્દી આ પટ્ટા પર જ ગુજરી ગયેલો. પણ મેં પ્રભુકૃપાથી ટેસ્ટનાં છયે છ પગથિયાં પૂરાં કર્યા. તેમ છતાં, પટ્ટા પરથી ઊતરતાં મારાથી ડૉક્ટરને પુછાઈ ગયું, “ડૉક્ટર ! હું જીવતો છું ને ?” સ્ટ્રેસ ટેસ્ટની દર્દીના મગજ પર વિપરિત અસર થાય છે એવું ડૉક્ટરના ભણવામાં નહિ આવ્યું હોય એટલે એ મૂંઝાઈને થોડી વાર મારી સામે જોઈ રહ્યા. પણ મેં મગજની અસ્થિરતાનાં વિશેષ ચિહ્નો પ્રગટ ન કર્યા એટલે એમને શાંતિ થઈ. એમણે કહ્યું, “તમે ટેસ્ટનાં બધાં પગથિયાં પૂરાં કરી શક્યા છો એટલે તમને ગંભીર તકલીફ હોવાનો સંભવ નથી. છતાં રિપોર્ટનો ઝીણવટથી અભ્યાસ કરી એકાદ દિવસમાં તમને ફોન કરીશ.” ડૉક્ટર આટલું કહી રહ્યા ત્યાં પરિસ્થિતિમાં એકાએક નાટ્યાત્મક પલટો આવ્યો. ખરાખરીના યુદ્ધમાં ખૂંખાર રીતે લડી જાણનાર એક સૈનિકને યુદ્ધવિરામ સમયે અચૂક તાવ આવતો એવું મારા વાંચવામાં આવેલું. મારા કેસમાં પણ એવું જ થયું. પટ્ટા પર અઢાર અઢાર મિનિટ ઝઝૂમવા છતાં મને કશી તકલીફ નહોતી થઈ. પણ પટ્ટા પરથી ઊતર્યા પછી મને છાતીમાં દુઃખાવા માંડ્યું. મેં કહ્યું, “ડૉક્ટર, હવે થોડું થોડું દુખવા માંડ્યું હોય એમ લાગે છે.” “દુખવા માંડ્યું હોય એમ લાગે છે કે ખરેખર જ દુઃખે છે ?” ડૉક્ટરે અઘરો પ્રશ્ન કર્યો. “ખરેખર જ દુઃખે છે.”
મેં કહ્યું. ડૉક્ટરે બ્લડપ્રેશર માપી જોયું અને પછી કહ્યું, “કશું ચિંતાજનક નથી. થોડી વાર આરામ કરો.” આ “આરામ કરો” એ વાક્ય મારું પ્રિયતમ વાક્ય છે. ઘેર પત્નીના અને ઓફીસમાં બોસના શ્રીમુખોએથી આ વાક્ય ઉચ્ચારાતું રહે તો જીવન ધન્ય થઈ જાય. પરંતુ જીવનયાત્રા ક્યારેય એટલી સુખદ ને સરળ નથી હોતી – કોઈનીયે. પણ હમણાં હમણાં ડૉક્ટરના શ્રીમુખેથી મને આ વાક્ય વારંવાર સાંભળવા મળતું હતું. આથી ધન્યતાનો અનુભવ તો થતો જ હતો, પણ ‘આરામ કરો’ એટલું સાંભળવાથી પણ મને આરામ મળતો હતો.

    મેં થોડી વાર આરામ કર્યો. થોડી રાહત થઈ – એટલે મેં ટ્રેડમિલ ટેસ્ટના ચાર્જ અંગે ડૉક્ટરને પૂછ્યું. “હવે બિલકુલ દુખતું નથી ને ?” ડૉક્ટરે પ્રશ્ન કર્યો. આમાં દુખવાની વાત કેમ આવી – એવો પ્રશ્ન મને થયો. પણ ડૉક્ટરે સ્ટ્રેસ ટેસ્ટમાં સાડા ત્રણ સો રૂપિયા કહ્યા ત્યારે મને આ પ્રશ્નનું રહસ્ય સમજાઈ ગયું. સ્ટ્રેસ ટેસ્ટની ફીનો સ્ટ્રેસ ખામી શકવાની સ્થિતિમાં મારું હૃદય છે કે કેમ તેની ડૉક્ટર ખાતરી કરવા માગતા હતા.

    મન મજબૂત કરીને મેં સ્ટ્રેસ ટેસ્ટની ફી ચૂકવી દીધી. દરેક વખતે રકમ આપતાં જે સ્ટ્રેસનો અનુભવ થતો હતો એ માપવા માટે કોઈ મશીન શોધાયું હશે કે કેમ તેવો પ્રશ્ન મને થયો. પરંતુ હું કંઈ બોલ્યો નહિ.

(ક્રમશ...)


0 comments


Leave comment