9.8 - ચામડી...ચર્મ...ત્વચા... / સંવાદ / જ્વલંત છાયા


    વહેલી સવારે ઝાકળ હોય, થોડું ધુમ્મસ દેખાય, હાઈ-વે પર જવું હોય તો મુસાફરી અડધો કલાક પાછળ ઠેલવી પડે. ભૂલથી વહેલું ઉઠાઈ ગયું હોય તો શરીરને થોડી ઠંડકનો અનુભવ થાય, સાંજને ટાણે એમ લાગે કે સાડા સાત-આઠ થઇ ગયા હશે અને રિસ્ટવોચમાં જોઈએ તો છે ને પચ્ચીસ જ થઇ હોય... આ બધી જ નિશાની ઋતુના બદલાવની છે. શિયાળાનો તો પગરવ છે. તેના આગમનની છડી છે. કલાપીનું ગ્રામ્યતા કાવ્ય પણ શિયાળાની સવારથી જ તો શરૂ થાય છે, ‘ઊગે છે સુરખી ભરી રવી મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દીસતી એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો...’ પ્રકૃતિના વર્તનથી અને નિસર્ગના નર્તનથી તો ઋતુઓના પરિવર્તનનો ખ્યાલ આવે જ પરંતુ તમને ખબર છે ? મોટે ભાગે શિયાળાનો સૌથી પહેલો સંદેશો આપણને આપણી ચામડી જ આપે છે. ચામડી સુકાવા લાગે. ખંજવાળ આવે તો નાખના સફેદ ઉઝરડા ચામડી પર પડી જાય. ચામડી તરડાઈ જાય, ગાલ લાલ થઈ જાય, રતુંમડા નહીં લાલ. અને હોઠ ફાટી જાય... શિયાળામાં શરદી પછી થાય પહેલાં તેની આર ચામડી પર વર્તાય. ઋતુઓના બાહ્ય શરીરના અંદરના પરિવર્તનનો પ્રભાવ ચામડી તરત ઝીલી લે છે. મેગેઝિનો, ખાસ કરીને સ્ત્રીઓના મેગેઝિનો કે તજજ્ઞોની કૉલોમો આમ તો દરેક ઋતુ શું દરેક મહિનામાં ‘તમારી ચામડીની સંભાળ કેમ રાખશો ?’ તેની સલાહ આપે છે. આપણે વિચારી પણ શકીએ કે ચામડી ન હોત તો ? હાથ, પગ, માથું, પેટ, બધાને આપણે અંગો કહીએ પરંતુ ચામડી તો આ સૌની ઉપર છે. અને સત્ય એ છે કે તમામ અંગોનું આવરણ એવી આ ચામડી સૌથી મહત્વનું અંગ છે.

    ચામડી, ચર્મ...ત્વચા... આખી જો જાત અને વાત શારીરિક છે પરંતુ તેના આસ્પેકટ સામાજિક પણ છે. શરીરને શણગારવા માટે કપડાં પહેરે છે, આભૂષણો ધારણ કરે છે. ચામડીને સરસ દર્શાવવા મેકઅપ કરે છે. બ્યુટી પાર્લરમાં જાય છે, મોસ્ચ્યુલાઈઝર લગાવે છે કારણકે ‘આપકી ત્વચા રહે સુરક્ષિત’ અને એવા એવા ક્રિમ વાપરે છે કે સાત દિનમેં અસર દેખિએ ચામડીને, ચહેરાને સંભાળવા અનેક ઉપાયો થાય છે. સતત અને સખત જાગૃતિ દાખવાય છે. પરંતુ વિચારવાની બાબત તો એ છે કે આ ચામડી પોતે જ કુદરતે આપેલો શણગાર છે. ‘આ પિંડ ઘડ્યો કિરતારે કેવો આ ભેદ ન જેવોતેવો રે, સમજણના સથવારે વ્હાલા જાણીને લ્હાવો લેવો રે’ એ ભજનમાં શરીરના પાંચેય તત્વોનું વર્ણન છે અને તેમાં ચામડી સાથે સંબંધ છે જળતત્વ સાથે!

    શિયાળામાં ચામડી ખેંચાય નહીં, તરડાય નહીં, રૂક્ષ ન થાય તે માટે શું કરવું ? વીન્ટર ક્રિમ લગાવવું, વેસેલીન ચોપડવું, કોલ્ડ ક્રિમના લપેડા કરવા. કંઈ ન કરો અને ફક્ત પાણી વધારે પીઓ, ઉનાળામાં કે કોઈએ સિઝનમાં પાણી વધારે પીવો તો પણ ચામડી તાજી, યુવાન રહે છે. કરચલી મોટી ઉંમર છતાં પડતી નથી અને ચામડી-સ્કીનટાઈટ જિન્સ જેવી ટાઈટ રહે છે એવું અનુભવીઓ જ નહીં, મોડલ્સ જ નહીં ડૉક્ટરો પણ કહે છે.

    ચામડીનો નાતો માણસના જન્મથી મરણ સુધી છે. તાજું જન્મેલું બાળક લાલ લાલ હોય, તેની ચામડીની સુગંધ જ અલગ હોય અને કાળી, ગોરી કે શ્યામલ પણ તેની ત્વચા કોમળ જ હોય. સાત-આઠ વર્ષની વય સુધી એ ચામડી સુંવાળી હોય-મખન જેવી પછી તેના પર કાં તો બીજો રંગ ચડે કાં તો તેને વધતી વયની અસર થાય, બહારનું વાતાવરણ તેમાં ભળે, એ બાળક-બાળકી કિશોરાવસ્થા ઓળંગે અને તેના ચહેરા પર શરીરના અન્ય ભાગો પર યુવાની પગલાં પાડે. આ પગલાંને છોકરીઓ માટે ખીલ કહેવાય અને છોકરાઓ માટે કહેવાય મૂછનો દોરો ફૂટ્યો! એ બધું આમ તો હોર્મોનિકલ ચેન્જના હેડ નીચે આવે. પરંતુ જીવનની-મનની હાર્મનીને પણ હોર્મોન્સ સાથે ઘણો સંબંધ છે. આજથી વીસ વર્ષ પહેલાં ચામડીની આટલી હદે કેર રાખવાનો ક્રેઝ નહોતો એક કોઈ કહે તો ફક્ત સાંભળી લેજો કારણકે યુગોથી માણસ માત્ર મોટાભાગે આ બાબતે કેરફુલ રહ્યો છે. આયામો બદલાયા છે. અને કંઈક તો આપણો પહેરવેશ પણ તેમાં કામ કરે. આજે જેને ફેશનનું નામ અપાયું છે તે બેકલેસ ચોળી અમુક જ્ઞાતિઓમાં માતા-બહેનો વર્ષોથી પહેરે છે અને તેમાં ફેશન નહીં પરંતુ આરોગ્યનો જ તો એંગલ છે.

    આપણે વાત કરતાં હતા કિશોરાવસ્થાની. આ ઉંમર જ એવી છે કે ભલે છોકરા-છોકરી ઘરમાં કોઈ કંઈ શેર ન કરે પરંતુ કેર તો કરે જ! મનોજ ખંડેરિયા કહે છે, ‘બુકાની બાંધીને ફરનારાઓનું આ તો છે નગર દોસ્તો, મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.’ પરંતુ અમદાવાદ અને તેની વાદે વાદે હવે સૌરાષ્ટમાં પણ છોકરીઓ ઉનાળામાં પણ સ્ટાર્ફ ચહેરા પર વીંટાળીને નીકળે છે તે તબીબોની દ્રષ્ટિએ યોગ્ય છે. રજકણો તથા ઓઝોનનું પડ પાતળું થતું જતું હોવાથી ચામડી પર સીધા પડતા સૂર્યકિરણોથી બચવા પેલા સ્કીન કલરના ગ્લોઝ અને ફેસ પર રૂમાલ જરૂરી છે-તેના બીજા ફાયદાઓ પણ છે તે બધા જાણે જ છે! ઉનાળામાં પણ ચામડીની સંભાળ આવશ્યક છે. નયનેશ જાનીએ ગાયેલું પેલું ગીત છે ને, ‘ચામડી તો ઠીક લોહી બાલી નાંખે એવા તડકા તપે છે મારા દેશમાં...’

    યુવાનીમાં ચામડીનું મહત્વ પણ હોય અને તેનું આકર્ષણ પણ હોય. માણસ સેક્સ દ્વારા શરીરને સ્પર્શે કે આત્માને તે અલગ ચર્ચાનો વિષય છે પરંતુ તેનું માધ્યમ તો ત્વચા જ છે. સુંવાળી, ગોરી ચામડી, કાળી ચામડી... ચહેરાનું લીસાપણું કે પછી ચહેરા પરના છીદ્રો પસંદ અપની અપની! શરીરથી મિલન કે પછી સંભોગમાં સમાધિની યાત્રામાં ત્વચા જ તો રાજમાર્ગ છે. ગમે તેવી જાડી ચામડીના લોકો પણ આ બાબતે તો સુંવાળપ જ ઇચ્છે છે!

    અને હજી તો આ સ્પર્શ અનુભવાય શ્વાસમાં ઊતરે ત્યાં તો માથાના વાળ ઊતરવાના શરૂ થાય. આ ચામડીનો જ તો વિષય છે. કરચલી પડે અને છુપાવવા જેવા વિ-દૂષકો કહે ‘હું આના ગાલ જેવા રસ્તા બનાવી દઈશ.’ બાકી કરચલીઓ ટાળવા, ચહેરો તાજો રાખવા હળદળ, ચણાનો લોટ તેમાં નારંગીની છાલનું પ્રવાહુ, થોડું માખણ કે મલાઈ નાંખી તે મિશ્રણ ચહેરા પર લગાવો, તેને સુકાવા દો. પછી શરદીમાં નાસ લેતા હો તેમ ગરમ પાણી-પરસેવો પડતાં જશે ! સ્ટીમર નામે ઓળખાતાં વિજાણુંયંત્ર પણ સ્ટીમ લેવા માટે મળે છે. એમ કર્યા પછી રૂ થી આખો ચહેરો સાફ કરો, કેટલો મેલ અંદર હોય તે દેખાશે. પછી તેના પર બરફના ક્યૂબ ઘસો, ચહેરો લીસો-કોઈ હાથ મૂકે તો લપસી જાય-(હાથ) એવો થઇ જશે.

    ખેર આ તો સૌંદર્યની વાત થઈ પરંતુ આમ ચામડીને જાળવવી જરૂરી છે. હાડકાં, આંતરડા, મગજના એક્સ-રે ક્યારેય સાંભળ્યો ? ગુજરાતના સિનિયર ડર્મેટોલોજિસ્ટ ડૉ. સુરેશ જોશીપુરા અને તેમના બે સાથી ડૉકટરોએ ત્વચા નામની ફરી વેબસાઈટ શરૂ કરી છે જેમાં ચામડી વિષે એવી બધી વિગતો છે કે તે જાણે ચામડીનો એક્સ-રે જ છે!! ડૉ. જોશીપુરા કહે છે ‘ચામડીના દર્દોની સૌથી સસ્તી સારવાર છે દરરોજ સ્નાન કરો !’ તેઓ કહે છે વિટામીન ડી સૌથી વધારે જરૂરી છે. બાળકોને શિયાળામાં પણ કુણા તડકામાં રાખવા જોઈએ. ગાજરનો હલવો ખાઓ કે નહીં પરંતુ સિઝનમાં ગાજર તો ખાવા જ જોઈએ. આહર અને ચામડીનો સીધો સંબંધ એટલો જ છે કે સાવ ખાવાનું બંધ કરો અને પોષક તત્વો ન લો તો ચામડીના દર્દ થઈ પણ શકે. સફેદ ડાઘ, તો ગોળ આને કોઢ! એમ કહેવાની જરૂર નથી. કોઢ વારસાગત નથી, ચેપી પણ નથી. સામાજિક રીતે તે આપણે ત્યાં ગંભીર છે. બાકી તે કોઈ એવી બીમારી નથી કે માણસ શરમ અનુભવીને જીવે!

    બાકી તો ગોરી ચામડીનું આપણું આકર્ષણ કે આદર આપણે વર્ષોથી જાણીએ છીએ. પ્રથમ વડાપ્રધાન હોય કે વર્તમાન ફેર સ્કીનનો પ્રભાવ બધા પર રહ્યો છે! તો આ જ ચામડીના ભેદે આપણને ગાંધીજી જેવા નેતા પણ આપ્યા એમ કહેવાય. અને આ જ ચામડીએ પણ યુધ્ધો કરાવ્યાં, અન્યાય કરાવ્યાં, અન્યાય સામે લડતો પણ કરાવી. એટલે અનિલ જોશી લખે છે, ‘કાળો વરસાદ મારા દેશમાં નથી. નથી પીળો વરસાદ તારા દેશમાં આપણે તો નોંધારાં ભટકી રહ્યા સાવ ચામડીના ખોટા ગણવેશમાં!’ ચામડીનો ગણવેશ અને તેને પણ શણગારવાની વૃત્તિ માણસને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે.


0 comments


Leave comment