4 - માળો / માળો / રાજેશ વણકર


    રણધીકે હોઠ પાછળ દબાવી રાખેલી તમાકુ કાઢીને ફેંકી. જઈને ટેબલ પર ચોંટી ગઈ. નાનો ભાઈ બોલ્યો, “જા લ્યા પપ્પાના ટેબલ પર ચોંટી, સાફ કરી દે” ને રણધીક ખડખડાટ હસી પડ્યો કેવી ઘટના? નાની પણ –

    કંઈ વિચારે, કરે, એ પહેલાં તો બારણે મહેમાન આવીને ઊભા તેના પપ્પાના કોઈ મિત્ર હશે.

    એમને ‘આવો’ કહી ‘જા તો પાણી તો લેતો આવ.’ નાના ભાઈને કહ્યું.

    ખબર અંતર પૂછ્યાને સામાન્ય વાતો કરી.
    બારણા પાસે ભીંત પર ટીંગાડેલા ફોટા પાછળ ચકલીનું નવયુગલ તણખલા ગોઠવતું હતું. નિષ્ફળ પ્રયાસો થતા હતા. આ ક્રિયા સતત ચાલતી. વારે વારે રણધીકનું ધ્યાન એ તરફ ખેંચાતું રહ્યું. ધ્યાન બીજે વાળવા રીમોર્ટ ઉઠાવ્યું. ટી.વી. ઓન કરી.
    પણ –
    સ્કુટરનો અવાજ તેના કર્ણ પ્રદેશમાં ઘુમરાતો મન પ્રદેશમાં થઈ આંગળીઓ સુધી પહોંચ્યો, ટી.વી. ઓફ થઈ ગઈ.

    પપ્પાનું આગમન એટલે તેના મનોગ્રાહ્ય કાર્યોમાં વિક્ષેપ.
    બારણાની આસપાસ ચકલીઓએ માળો બાંધવા વાપરેલા તણખલાનો ઢગ વાગી ગયો હતો. પપ્પાએ કહ્યું, “તારી દાદી, ને મમ્મી બધાએ માળો બાંધ્યો ને તમારો વંશ ચાલ્યો, પણ આ રણધીકે ફોટાને સહેજ ત્રાંસામાંથી સીધો કરી દીધો ને....


    ‘આવો સલીમભાઈ મજામાં છો ?’ અચાનક મહેમાન પર દૃષ્ટિ પડતાં તેમણે મહેમાનમાં લક્ષ્ય પરોવ્યું.
    ‘કેમ છો મોહનભાઈ ? તમે મળતા નથી એટલે ખાસ સમય કાઢવો પડ્યો.’
    ‘સરસ’ પપ્પાએ પ્રત્યુત્તર કરીને ઘરમાં જવા પગ ઉપાડ્યો. કદાચ ચાનું કહેવા હશે.

    રણધીકે ચકલીએ વેરેલા તણખલા ભેગા કરીને બહાર ફેંક્યા, અંદર આવ્યો ત્યારે મહેમાન સાથે પપ્પા સામાજિક અને રાજકારણની વાતોમાં મશગુલ હતા. રણધીકે પ્રથમ કાર્ય ચકલાને ઉડાડી મૂકવાનું કર્યું.

    ‘રહેવા દે એ પછી આવશે જ. એ એમની વંશ પરંપરાગત જગ્યા છે એ ફોટો હતો એ જ બરાબર હતો. એટલે શાંતિથી ચકલા પાછળ પડ્યા રહેતા.’ પપ્પાએ કહ્યું.

    ‘ઘર આપણા માટે આપણે બનાવ્યું છે. ચકલા જેવા પક્ષીઓ માટે નહીં.’ રણધીકે જવાબ આપ્યો.

    મહેમાન હતા એટલે લાંબુ થયું નહીં પણ એના પપ્પાએ મહેમાન તરફ મુખ ફેરવ્યું એમ જ આફરો ઉતારવા ‘આ જુઓ ને; આવી વાત, બિચારા તે પડી રહે એમાં આપણું શું જાય છે ? હેં ? બહાર વૃક્ષો પર માળાઓ બાંધે છે એના કરતા ઘરના છત્ર નીચે શું ખોટું ?’

    ‘ત્યારે બોલાવી લો બધાંય જનાવરાંને વસાવો તમારા ઘરમાં.’
    એ વાડામાં જતો રહ્યો.

    પછીના દિવસોમાં તારને ફોટાની કિનારી ઉપર ગમે તેમ કરીને ચકલીઓએ માળો બાંધ્યો અને ચીંચી અવાજો આવવા લાગ્યા.

    નવરાશના સમયે એના પપ્પા તે માળા તરફ તાકી રહેતા.
    રણધીક અકળાતો.
    મનોમન સમસમીને બેસી રહેતો.
* * *
    ગોધરા ટ્રેન હત્યાકાંડ.
    પાછળથી ફાટી નીકળ્યા ભયાનક તોફાનો.
    અને અચાનક એક રાત્રે.
    ભયાનક આગના ગોળા એ ઘરોને ઘેરી વળ્યા.
    પછી શું બન્યું ?
    ઘરમાં તેની કોઈને કશીયે ખબર નથી.
* * *
    દવાખાનામાં એણે આંખો ખોલી ત્યારે શરીરે પાટો પીંડી કરેલાં હતાં.
    ઘરમાં બચ્યા હતા માત્ર એ ને એનો નાનો ભાઈ.
    એ ધ્રુસકે ધ્રુસકે રોયો.
    કેટલું રડ્યો ? ક્યારે બેભાન થયો ?
    કશી ખબર નથી.
* * *
    આખરે એક દિવસ એને પોતાના ઘર તરફ જવું પડ્યું.
    નાનાભાઈને આંગળીએ વળગાડીને એ ઘરે પહોંચ્યો.
    તદ્દન એનાથી પણ બદતર હાલત એના ઘરની હતી.
    દીવાલો કાળી પડી ગયેલી.
    કશુંય સ્પષ્ટ નહોતું.

    પોતે કોણ છે ? શું બન્યું છે ? કશું સમજાતું નહોતું.
    ઘર ઘર નહોતું રહ્યું.
    દીવાલો ચોમેરથી ધ્રુસકે ધ્રુસકે રડતી જાણે એને ઘેરી વળી.

    અચાનક અસ્પષ્ટ થઈ ગયેલા એવા પિતાના ફોટોગ્રાફ પર એની નજર પડી. કાચની ફ્રેમ કાળી પડી ગઈ હતી. પાછળ ધૂંધળો પિતાનો હસતો ચહેરો ટ્રોફી ગ્રહણ કરતો દેખાતો હતો.

    ફોટાની આડશે થોડાક તણખલાં સાજા હતા. એની પાછળથી બળી ગયેલી ચકલીના ડોકનું મુખ બહાર લબડતું હતું. ચાંચ પહોળી થઈ ગયેલી. જાણે ચીસો ભૂતકાળના તખ્તા પર સ્થિર થઈ ગઈ હોય....

    “બચ્ચાં ક્યાં ગયાં ભાઈ ?” નાના ભાઈનો કુણો કુણો પ્રશ્ન ઘરને ઘેરી વળ્યો.
* * *


0 comments


Leave comment