17 - દિવ્ય કાવ્ય / નરસિંહરાવ દિવેટિયા
તોટક
ગગને અતિગૂઢ લખ્યું વિધિયે
કંઈ કાવ્ય ગભીર કલાનિધિયે,
ચળકંત રૂડા કંઈ તારલિયા
જહિં શબ્દ અનુપમ ર્હે બનિયા. ૧
મન અદ્ભૂત ભાવ કળે ન કળે,
કળતું કદી ઈશ્વરદત્ત પળે;
કદી ચાંદનીની રજની નીકળે
તહિં કાવ્યતણાં સહુ પૃષ્ઠ ખૂલે. ૨
જગ શૂન્ય થકી જ રહ્યું ઊપની,
થતી ઝાંખી ઝીણી તહિં તેહતણી;
કંઈ ગાન ઊંડું લયકાળતણું
કદી એ કવિતા મહિં જાય સુણ્યું.
ધૂમકેતુ સમુજ્જવલ ભવ્ય કદી
પ્રગટે ગગને જહિં જ્યોતિનદી,
ઊંડી વીથી અનન્તપણાની તહિં
શી અગાધ દીસે ઊઘડી જ રહી ! ૪
સહુ તારલિયા ચમકંત ઝીણા
શુભ બોધ દિયે પરકાળતણા;
પરભૂમિ વસે પ્રિય આ ઘડિયે
સહુ તેતણી વાણી તહિં સુણિયે. ૫
પરલોક તણા ઉપકણ્ઠ પરે
સુખિયા જન જે કંઈ વાસ કરે,
સહ તે જન નૅન સમક્ષ તરે,
પઢતા ગૂઢ કાવ્ય જ પ્રેમભરે. ૬
સહુ તારકમંડળ રમ્ય વિશે
કંઈ પ્રાણી અજાણ વસે ન વસે;
નહિં એ વિષયે જ વિવાદ કશો,
તહિં પ્રાણી ભણે જ વસો ન વસો; ૭
પણ તારક ઉત્તમ કાર્ય કરે,
બની કાવ્યપદો કંઈ બોધ ઝરે,
લખ્યું કાવ્ય જ જે ગગને વિધિયે,
ધરી મર્મ ગભીર કલાનિધિયે. ૮
-૦-
ટીકા
કડી ૧. કલાનિધિ=હુન્નરોનો ભંડાર. સર્વ હુન્નર જાણનાર. વિધિ= સૃષ્ટિ કરનાર, ઈશ્વર.
કડી ૨, પૂર્વાર્ધ.-
મૂળ પ્રથમ આવૃત્તિમાં આ બે પંક્તિયો આ પ્રમાણે હતી:-
સહુ અદ્ભુત ભાવ કળે ન કળે,
કળતો કદી ઈશ્વરદત્ત પળે.
તે વખતે 'કળે,' અને 'કળતો' એ શબ્દોનો 'કળાય' અને 'કળાતો' એમ અર્થ શક્યાર્થ ધાતુ લઈને કરવાનો છે હેવું ટીકામાં લખ્યું હતું. બીજી આવૃત્તિમાં 'સહુ'ને બદલે 'મન' અને 'કળતો'- ને બદલે 'કળતું' એમ ફેરવ્યું છે એટલે ઉપર પ્રમાણે શક્યાર્થ ધાતુ ગણવાની જરૂર જતી રહે છે. ટીકા આજ સુધી તદનુસાર સુધરી ન્હોતી તે અહિ નોંધવું જોઈયે.
લીંટી ૨. ઈશ્વરદત્તપળે=ઈશ્વરે આપેલી ક્ષણમાં; કોઈક વાર એકાએક ઈશ્વરી પ્રેરણા ઊઠી આવે ત્ય્હારે.
કડી ૨, લીંટી ૪. તહિં=ત્ય્હારે, કાવ્યતણાં-એ દિવ્ય કાવ્યનાં ગગનમાં લખેલા કાવ્યનાં.
કડી ૩, લીંટી ૨. તહિં=ત્ય્હાં, તે દિવ્ય કાવ્યમાં.
કડી ૪. વીથિ=ઊંડો, લાંબો, માર્ગ; લાંબું, ઊડું, દૃશ્ય. જહિં-તહિં=જ્ય્હારે-ત્ય્હારે.
કડી ૫. પ્રિય=વ્હાલાં માણસો. તહિં=એ કાવ્યમાં, તારાના કાવ્યમાં.
કડી ૮, કાવ્યપદો=કાવ્યના શબ્દો. મર્મ=ભેદ, ઉદ્દેશ; મતલબ.
ચાંદનીથી ધોવાયેલું, તારાથી જડાયલું, ગગન જોઈને, તથા કોઈ વેળા મહાન્ અસંખ્ય વર્ષે આવતો, દિવ્ય ધૂમકેતુનો તેજ:પુઞ્ જ (પુંજ) જોઈને જે અનંતપણાના, મનુષ્યની ભૂત ભાવી વર્તમાન સ્થિતિના ગંભીર અને દિવ્ય વિચારોની સહસા પ્રેરણા થાય છે તે જ રીતે આ ગગને લખેલા દિવ્ય કાવ્યનું વાંચન છે. તારા, ધૂમકેતુ, ચાંદની,-એઓની હાવી ગંભીર સૂચનાઓ થાય છે, તે જ જગની ઉત્પત્તિની ઝાંખી થવી, લયકાળનું ગાન સંભળાવું, અનંતત્વની વીથિ ઊઘડવી, પરકાલના બોધ થવા ઈત્યાદિ છે. તેવી જ તારાને શબ્દ ગણી ગગનમાં કાવ્ય લખ્યું કલ્પ્યું છે.
-૦-
0 comments
Leave comment