19 - માનવબુદ્બુદ / નરસિંહરાવ દિવેટિયા
વ્યાકરણ/છંદ/રોળાવૃત્ત
જનસમુદાય વિશાળ સિન્ધુ ત્હેમાં બુદ્બુદ હું
શો કરતો ફફડાટ ! મદે ભર્યું શું વળી કૂદવું !
તરઙ્ગરાજ અનન્ત, નાવ મ્હોટાં જે ગળતા,
તે ક્ષણમાં પડે, ત્યહાં મુજ તે શી ગણના ! ૧
ક્ષણ પર હું ઊપન્યો, ડૂબીશ બીજી ક્ષણ જાતાં,
પણ તે અરસા માંહિં રંગ વિધવિધ મુજ થાતા;-
કો વેળા આ વ્યોમવર્ણ ભૂરો મુજ કાયે,
કો વેળા ગમ્ભીર રંગ ઘનતણો છવાએ. ૨
ને વળી કદી સહુ રંગ ભળે ઇન્દ્રધનુષ કેરા,
પીળા, ભૂરા, લાલ, બધા આછા ને ઘેરા,
તે સહુનું પ્રતિબિમ્બ પડે મુજ પર કો સમયે,
તે ધરી લહું આનન્દ, અકથ સુખ ત્ય્હાં મુજ હૃદયે. ૩
ને કદી ઉજ્જવળ અંગ કનકશું ધારી હરખું;
જય્હારે રવિનું બિમ્બ ઉપર લટકંતું નિરખું;
કદી ચન્દ્ર નિજ શાન્ત નજર કરી મુને નિહાળે,
ત્ય્હારે તો મુજ કાન્તિ રૂપેરી રંગે મ્હાલે. ૪
-૦-
ટીકા
મનુષ્યની ટૂંકી જીંદગીમાં જુદાં જુદાં કારણોથી વિવિધ મનોવૃત્તિયો થાય છે ત્હેનું વર્ણન આ કાવ્યમાં કર્યું છે.
કડી ૧. બુદ્બુદ = પરપોટો
કડી ૧. તરઙ્ગરાજ = મોટા મોજા ( બીજા મ્હારા કરતાં વધારે સમર્થ મનુષ્ય)
-૦-
0 comments
Leave comment