23 - પ્રેમ / નરસિંહરાવ દિવેટિયા


દિંડી

સર્વ ફૂલડાં મહિં એક જે રમંતો
રમ્ય ગન્ધ સકળ જગતને ગમંતો,
એક તેહ પણ અનેક ધરે રૂપ,
વિવિધ કુસુમે વશી વિવિધ ને અનુપ. ૧

કળી ગુલાબમાં મધુરું ધીરું ગાતો
ગન્ધ જેહ તેહ નહિં બીજે સુહાતો;
કરે કેતકમાં મત્તગાન એક,
બીજો ગન્ધ ચમ્પકે પ્રદીપ્ત છેક. ૨

તો ય તે અનેક ગન્ધ ગન્ધ એક;
તેમ પ્રેમ એક ને વળી અનેક:-
એક પ્રેમ પિતા ઉપરે ગભીરો,
બીજો માડી ભણી પ્રેમ તે રસીલો; ૩

મીઠી ભગિનીશું પ્રેમ તે ગુલાબ,
લલિત પ્રેમ પુત્રને વિશે અમાપ,
પ્રિયાપ્રેમ તેહ કેતકીસુગન્ધ,
પ્રભુપ્રેમમાં સહુ પ્રેમનો પ્રબન્ધ. ૪
-૦-


0 comments


Leave comment