27 - ફૂલ સાથે રમત / નરસિંહરાવ દિવેટિયા


[ગરબી "શીખ સાસૂજી દે છે રે કે વહૂજી ર્‌હો ઢંગે."- એ ચાલ]

આવો ફૂલડાં મધૂરાં રે આપણ રંગે રમિયે,
દિન એક આનન્દે રે ભેળાં રહી નિર્ગમિયે. ૧

મ્હને મુખડું ત્હમારું રે સલૂણું લાગે વ્હાલું,
હેમાં નિર્મળ પ્રીતિ રે વશી હસતી કાલું. ૨

તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું,
રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું. ૩

ન્હાશી ત્ય્હાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો,
ત્હમે કોમળ હઈડે રે; મ્હને નવ ગણશો જુદો. ૪

નહિં તમમાં કુટિલતા રે, નહિં વલી ક્રૂરપણું,
નહિં વચન કપટનાં રે, હૃદય પ્રેમાળ ઘણું. ૫

કદી હાસ કરંતાં રે તો નિશ્ચે આનન્દભર્યાં,
કરમાઈ કદી સૂતાં રે તો સત્યે દુઃખે જ ગળ્યાં; ૬

જે'વું અંતર થાએ રે ત્હેવું તમ મુખડું દીસે,
જે'વું મુખ દેખાએ રે ત્હેવું તમ હૃદય વિશે./૭

ત્ય્હારે આવો મધૂરાં રે આપણ રંગે રમિયે,
દિન એક તો સુખમાં રે સાથે વશી નિર્ગમિયે. ૮
-૦-
ટીકા
    જન્મસ્વભાવથી તો મનુષ્ય નિર્દોષ છે. પરંતુ સમાજદશામાં મણ્ડલ બંધાવાને લીધી, કેટલાંક ગમ્ય અને કેટલાંક અગમ્ય કારણોને લીધે, મનુષ્યમાં દ્વેષ, સ્વાર્થી પ્રેમ, ક્રૂરતા, કપટ, હ્રદયસંગોપન, ઇત્યાદિ અનેક દોષ પેઠા છે. જનમાનસમાં આ મલિનતા જોઇ જોઇ ને કંટાળીને સ્વભાવશુદ્ધ કુસુમોની પાસે જઇ કરેલું સંબોધન આ કાવ્યમાં છે. નિર્દોષ કુસુમ તે મનુષ્યની સમાજના કુસંસ્કારોથી અદૂષિત અવસ્થાનું પ્રતિબિમ્બ છે. માટે જ કડી ૩જીમાં કહ્યું છે કે "તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું" પરંતુ જનમણ્ડળમાં રહી મ્લાન થયેલું. કડી ૫,૬, ૭ માં ફૂલના ગુણ વર્ણવ્યા છે ને સમાજદૂષિત મનુષ્યના દુર્ગણના વિરોધમાં મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે.
-૦-


0 comments


Leave comment