30 - વિધવાનો વિલાપ / નરસિંહરાવ દિવેટિયા


ચૉપાઈ

ચાંદની દશ દિશ ચળકી રહી,
સરિતામાં જાતી એ વહી,
રમે રમત લહરીની સંગ,
સૂતી રેતીમાં ઉજ્જવળ અંગ. ૧

તટતરૂ નીરખંતાં નિજ છાય
સૂતી જે સરિતાની માંહ્ય;
ખેતર સઘળાં હાસ કરંત,
દૂર ઝાડી બહુ ઘોર દીસંત. ૨

ભૂતડાંશાં વડવ્રુક્ષ અનન્ત
ઊભાં જ્ય્હાં દૃષ્ટિ તણો અન્ત,
ત્યહાં ચાંદની કંઈ નવ ફાવતી,
અથડાઈ પાછી આવતી; ૩

ચણ્ડપવનશું વડજૂથડું
જૂઢ કરંતું જ્ય્હારે વડું,
ઘોર ઘુઘાટ કરંતું તેહ,
સુણી કમ્પે સરિતાની દેહ, ૪

કમ્પે તટતરુ જળમાં પડ્યાં
કમ્પે ઉપર તરુપાંદડા;
કમ્પે સઘળી શાન્તિ તહિં
ને કમ્પે ચન્દા જળમહિં. ૫

તો પણ એ સ્થળ રમ્ય જ દીસે,
રમવા જોગું સુરયુવતિને.-
પણ, જો ! પેલા વાડઝુંડથી,
ચંદા જે'વી ઘનવૃન્દથી, ૬

નીકળી આવે દેવી દેહ,
શકે હશે વનદેવી એહ !
કેમ સંભવે માનવરૂપ
ગાત્ર હાવું ને કાન્તિ અનુપ ? ૭

પણ, જો ! ધીરાં પગલાં ભરી
આવી સમીપ વળી સુન્દરી,
જો, ઢંકાઈ ગઈ તરુવૃન્દ,
પાછી નીકળી, જો ! ગતિમન્દ, ૮

ને પાછી આ તો નવ દીસે,
પાછી ચાલે ખેતર વિશે;-
એમ આવી પ્હોંચી એ અહિ,
નદીરેત્ય ચળકંતી જહિં; ૯

ને આ ઊભી નદીને તીર,
ને બેઠી જ્ય્હાં નિર્મળ નીર;
માંહિં નિરખિયું નિજ મુખડું,
જે'માં સ્પષ્ટ વસે દૂખડું - ૧૦

હશે, હશે, એ માનવ ખરે,
જો ! નૅનથી આંસુડા ઢળે; -
ને ન્હાનકડું આ શુ દીસે
બાળકડું કંઈં ખોળા વિશે ? - ૧૧

છુટા કેશ અનિલમાં રમે,
ને આંખડી શી ચૉગમ ભમે !
હા ! પણ, જો કઈ મધુરે સ્વરે
વિલાપ એ સુન્દરી શો કરે ! ૧૨

[ગરબી - 'આસો માસો શરદપુન્યમની રાત્ય જો. -- એ ઢાળ]

હા દૈવ ! શું વિપરીત દૂખડું દીધેલું !
કાં ન પડી હું પ્હેલી રે મુખ મૉતને ?
જમડા ! તહે મુજ જીવન લૂંટી લીધલું,
ઝડપી લીધો નાથ, અનાથ મૂકી મ્હને. ૧

મૉત ઘડ્યું શિદ માનવને શિર ઈશ ત્હેં ?
ઘડિયું તો શિદ તરુણ ઉપર પ્હેલું પડે ?
ને મૉતે હરી લીધા તેશું કો સમે
વાતલડી કરવાનો મારગ કહિં જડે ? ૨

ઓ ચંદા ! તું જાણે સઘળી વાતને
જે મૉતતણા દાસ હમે નવ જાણિયે;
વીનવી ક્હેજે આટલું મ્હારા નાથને, -
"દાસી દીન ઉપર કંઈં રોષ ન આણિયે. ૩

ભૂલી ન જશો નિજ દાસીને કંથ જો,
સ્વર્ગસુખે રહી એકલડા આનન્દમાં,
મુજને દાખવાજો એ સ્થળનો પંથ જો,
બોલાવી દોડી વળગીશ તમ કંણ્ઠમાં." ૪

અનિલ ! ત્હને કાં ગમે રમત મુજ કેશશું ?
નિર્દય જગના જનને એ નવ પાલવે;
તો અળગી હું સહુ થકી કોરે વસું,
ન પડે રસ મુજને જગમાં કાંઈં હવે. ૫

ઓ ઊંચા, ઊંચા, આકાશ ! તું કાં મ્હને
ઊચકી લઈને નવ રાખે નિજ અંગમાં ?
છૂટું ક્રૂર જગતના જનથી હું, અને
વસું સુખે આ તારલિયાની સંગમાં. ૬

સરિતા ! તુંજ હઇડે કે'વો આ ચાંદલો ?
વશિયા ત્હેવા મ્હારે હઇડે નાથજી,
મ્હેં ન કીધો અપરાધ કદી એ આટલો,
તો ય ગયા રીસાઈ ને મુજને તજી. ૭

તજી વળી આ બાળકડી જો બાપડી; -
કાં બાપુડી ! કૉણ ત્હને પીડા કરે ?
નાણી દયા તુજ તાતે બેટા ! આપડી,
વ્હેતા મૂક્યાં આપણને દૂખસાગરે. -- ૮

ઓ શીળી ચંદા ! ઓ સરિતા કોમળી !
ઓ આકાશ ઉદાર ! અનિલ સુકુમાર ઓ !
ત્હમે નહિં નિર્દય થાવાનાં કો ઘડી,
મ્હારા ને મુજ બાળકીના આધાર છો. ૯

જો, ઓ અનિલ કુંળો કર તુજ પર ફેરવે,
ચંદા ચૂમે તુજને પૂરા પ્રેમથી,
હાલેડાં ગાય નદી મુજથી મીઠે રવે,
અહિ જગજન કેરી પીડા તુજને નથી. ૯

આપણ બે એકલડાં અહિં વાસો વશી
રહીશું સુખમાં સ્મરણ કરી તુજ તાતનું,
રમજે નદીલહરીસંગે મીઠું હશી,
થાજે મ્હોટી એમ રહી દિનરાત્ય તું. -- ૧૦

ને મુજ લાડકડી જ્ય્હારે મ્હોટી થશે,
જગત બધું ઘૂમીશ ત્ય્હારે નિજ જાત્ય હું,
કદી મરે નહિ હેવો નર પછી ત્યહાં હશે,
પરણાવીશ મુજ લાડકીને તે સાથ હું. ૧૧
-૦-
ટીકા
   કડી ૧. 'રહી', 'વહી,' 'રમે', 'સૂતી', એ સર્વે ક્રિયા પદોનો કર્તા 'ચાંદની' એ છે.
   કડી ૩, ચરણ ૨. જ્યહાં દૃષ્ટિતણો અન્ત=ક્ષિતિજમાં.
   ઉત્તરાર્ધ:- મતલબ કે વડઘટા એટલી ગાઢી કે સંપૂર્ણ અંધકર અજવાળી રાત્રે પણ ત્ય્હાં રહેતો.

   કડી ૪-૫. ચણ્ડપવન નીકળે ત્ય્હારે પાસેની નદીનું જળ હાલે જ એટલે તટતરુનાં પ્રતિબિમ્બ પણ જળમાં હાલે. તટ ઉપર ઝાડનાં પાંદડાં પણ હાલે જ. જળમાં ચંદ્રનું પ્રતિબિમ્બ પણ હાલે જ, તે ઉપરથી પવન સાથે યુદ્ધ કરતા વડના ઝુંડનો ઘુઘાટ સાંભળીને એ સર્વે જાણે ભયથી કમ્પતાં કલ્પ્યાં છે. અને આમ થાય ત્ય્હારે શાન્તિમાં પણ ભંગ થાય જ. તેથી ત્ય્હાં વસતી શાન્તિ પણ જાણે કમ્પતી હોય એમ કલ્પના કરી છે.

   કડી ૫, ચરણ ૪. ચંદા = ચંદ્ર.
   કડી ૬, ચરણ ૪. ચંદા = ચંદ્ર. જે'વી- જેમ ચંદા(ચંદ્ર) વાદળાંની ઘટામાંથી નીકળે છે.
   કડી ૭, ચરણ ૧. દૈવી દેહ- દિવ્ય દેહવાળી કોક સ્ત્રી.
   કડી ૮, ચરણ ૩. 'તરુવૃંદ'માં સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત.
   ચરણ ૪. ગતિમન્દ - મન્દ ગતિયે (ચાલતી)

   નૂતન વિધવા એક પોતાની ન્હાની પુત્રીને લઈ, જનસમાજની રૂઢિથી ત્રાસ પામીને , જગત્ નો ત્યાગ કરી ત્ય્હાંથી દૂર રહેવાને, રાત્રે અજવાળી મધ્યરાત્રે જંગલમાં થઇ એક નદીકિનારે આવીને ઊભી છે, અને ત્ય્હાં પછી બેશીને વિલાપ કરે છે. આમ આ ચિત્રની પાશ્ચાદભૂમિ ચોપાઇવાળા પૂર્વભાગમાં મૂકી છે.
ગરબી-
   કડી ૧, ચરણ ૧. વિપરીત- પોતાના પ્હેલાં પતિ મરણ પામ્યો માટે વિપરીત દુઃખ.
   કડી ૨, ચરણ ૩. મૉતે હરી લીધાં તે માણસો સાથે. તેશું = તે સાથે.
   કડી ૩, ચરણ ૧. ચંદા - ચંદ્ર.

   કડી ૫, ચરણ ૧. કેશશું- કેશ સાથે.
   કડી ૭, ચરણ ૩. આટલો - આટલો પણ; જરાક પણ.
   કડી ૯, ચરણ ૧. વળી પાછી પુત્રી તરફ ફરીને આ કડીનાં તથા કડી ૧૧ મીના વાક્ય બોલે છે.

   કડી ૧૨. આ કડીમાંનં વાક્ય પોતાના મન સાથે જ વાત કરી કહે છે. તાજા વૈધવ્યના અસહ્ય દુઃખમાં ઉત્પન્ન થયેલી ઉન્મત્ત દશામાં, સમ્પૂર્ણ સુખ-લગ્નનું સુખ અને વૈધવ્યદુઃખનો અભાવ, એ બે-ની સોત્કણ્ઠ આશામાં અશક્ય વસ્તુને ઉત્કણ્ઠા રાખીને, એટલું જ નહિં પણ ત્હેને સર્વથા શક્ય માનીને, પોતાની પુત્રી માટે અમર વર સોધી કાઢવા નિશ્ચય આ ઠેકાણે જણાવ્યો છે.
-૦-


0 comments


Leave comment