52 - તોરીલાનો તોર છે નોખો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


તોરીલાનો તોર છે નોખો રે,
    બાઈ, નવ ધરીએ ધોખો.

જગમાં જેની જોડ મળે નહીં
    એવો એક અનોખો;
ત્રાજવાં તોલાં તૂટતાં લાગે,
    લાખ જુગતિએ જોખો.
    તોરીલાનો તોર છે નોખો રે, -
    બાઈ, નવ ધરીએ ધોખો.

આમથી તેમ ભલે અથડાવે,
    મન કરી મત રોકો;
સાંવરી સૂરત મોહિની મૂરત
    ઉર ભરી અવલોકો.
    તોરીલાનો તોર છે નોખો રે, -
    બાઈ, નવ ધરીએ ધોખો.

મરમાળા મેરમને મળવા
    માંડ મળ્યો છે મોકો;
પંડ પરોણો થાય છે એને
    સરોદ પ્રેમે પોંખો.
    તોરીલાનો તોર છે નોખો રે, -
    બાઈ, નવ ધરીએ ધોખો.


0 comments


Leave comment