88 - ઘટનાના કાટમાળની વચ્ચે જીવું છું હું / મનોજ ખંડેરિયા


ઘટનાના કાટમાળની વચ્ચે જીવું છું હું
આ રાખ નીચે ઝાળની વચ્ચે જીવું છું હું

અહીં ત્રાટકી ઘેરી વળી છે વિટંબણા
બંદૂકની ફરતી નાળની વચ્ચે જીવું છું હું

આ અહીંથી ત્યાં, ને ત્યાંથી પણે, ને ફરીથી અહીં
અવિરત દડા – ઉછાળની વચ્ચે જીવું છું હું

આ ભીડ એક શુષ્ક સરોવરનું નામ છે
માણસના આ દુકાળની વચ્ચે જીવું છું હું

જેના ઉપર ઊભીને સમય એને કાપતો
ભ્રમણાની લીલી ડાળની વચ્ચે જીવું છું હું

ભાષાની ભરસભામાં સુદર્શન નથી રહ્યું
કૈં સેંકડો ય ગાળની વચ્ચે જીવું છું હું


0 comments


Leave comment