53 - જોઉં છું, કેમ છળો છો ! / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
વૃંદાવનની કુંજનિકુંજે
રોજ મળો છો હવે :
જોઉં છું, કેમ છળો છો હવે !
તમે ફોડી તે દૂર છોડી મેં
ગોરસની ગગરી;
સ્વપ્નામાં પણ યાદ ન આવે
અવ મથુરાનગરી;
હેતથી હળો મળો છો હવે : -
જોઉં છું, કેમ છળો છો હવે !
હવે ન મુરલી ગુંજે ગમતી,
એ સહીયરને તેડે;
કલરવ કરતી એ કુંજડીઓ
વહાલપ વનરા વેડે;
ગરજુડા, ગરવ ગળો છો હવે : -
જોઉં છું, કેમ છળો છો હવે !
એક જ આશ, હરિ, હૈયે રહી
તમમાં જઉં સમાઈ;
સરોદ સરખું ભિન્ન રહે નહીં
આ ભવભોમે કાંઈ
લહેરીલા લાલ, લળૉ છો હવે : -
જોઉં છું, કેમ છળો છો હવે !
0 comments
Leave comment