54 - તમે રે સોનું / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


તમે રે સોનું ને અમે રાખ,
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.

રાખે ભભૂતધારી તનડું બનાવ્યું,
    જીવતાં બનાવ્યું એને ખાખ;
રાખે રમીને રમતલ રાજા નિહાળ્યો,
    હૈડુ પૂરે છે એની શાખ.
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.

રાખે રગડી ને મનની માંડ ઉજાળી,
    ઝીણી ઝબૂકે લખ આંખ;
મીરાંબાઈ કહે છે, રાણા, સૂર સરોદે,
    આંખો બની છે પંડ પાંખ.
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.



0 comments


Leave comment